બાળકી સાથેની શારીરિક છેડછાડથી વાલીઓએ શાળામાં જઇ હલ્લો મચાવ્યો

મુંદરા, તા. 22 : અહીં સગીર વયની છાત્રા સાથે શારીરિક અડપલાં થવા સહિતની ઘટનાના પગલે રોષે ભરાયેલા વાલીઓના સમૂહે આજે અત્રેની સમુદ્ર ટાઉનશિપ સ્થિત ક્લોરેક્સ પબ્લિક સ્કૂલ ખાતે જઇને હલ્લો બોલાવ્યો હતો. આ ધમાલના પગલે પોલીસે દોડી જઇને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી હતી.  આજે સાંજના સમયે બની ગયેલા આ સમગ્ર ધમાલિયા ઘટનાક્રમ દરમ્યાન સમુદ્ર ટાઉનશિપની રખેવાળી સંભાળતી ખાનગી સિક્યુરિટી એજન્સીના સ્ટાફે કોઇને અંદર ન આવવા દેવા સાથે જાણે કિલ્લેબંધી કરી નાખી હતી. વાલીઓનો સમૂહ શાળા પરિસરમાં ધસી ગયો ત્યારે ખાસ કરીને પ્રચાર માધ્યમોને સંલગ્ન વ્યક્તિઓને સંકુલમાં પ્રવેશતી રોકી દેવાઈ હતી. આ ખાનગી સિક્યુરિટી એજન્સી મુંદરામાં કાયદાના રક્ષકોથી પણ વધુ સત્તા ભોગવતી હોવાની લાંબા સમયની છાપ આજે ફરી એકવાર ઊપસીને સ્પષ્ટ રીતે સપાટીએ આવી હતી.  દરમ્યાન, હલ્લાબોલ કરીને ગયેલા વાલીઓના સમૂહ પૈકી પણ કોઇ વિગતો આપવા રાત્રિ સુધીમાં આગળ ન આવતાં કેવી અને કેટલી હદે ધમાલ મચી તેની વિગતો પણ સ્પષ્ટ થઇ શકી ન હતી.  દરમ્યાન, આરોપી ક્લોરેક્સ શાળાના હિસાબનીશ ફૈઝલને આજે કોર્ટમાં રજૂ કરાયા બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી અપાયો હતો. પોલીસે શાળા પરિસર અને સંલગ્ન વિસ્તારના સી.સી. ટી.વી. કેમેરાનાં ફૂટેજના અભ્યાસ સાથે આગળની છાનબીન હાથ ધરી છે તેવું સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer