કચ્છ એસ.ટી. વિભાગની ખોટ કરતી ટ્રીપો 416

ગિરીશ જોષી  દ્વારા  ભુજ, તા. 22 : કચ્છમાં એસ.ટી. તંત્રે સેવાને બદલે આવકનું સાધન બનાવી નાખ્યા પછી પણ દરરોજ ખોટનો આંક વધતો જાય છે. રોજની 1054  ટ્રીપમાંથી 416 ટ્રીપ ખોટ કરતી હોવાની વિગતો બહાર આવી છે જેનો આંકડો રોજ સાત લાખને પાર કરી જાય છે. કચ્છમાં રોજ 65થી 70 હજાર પ્રવાસીઓ એસ.ટી. બસોમાં હેરફેર કરે છે પરંતુ એકાદ વર્ષ પહેલાં મુસાફરોનો આંક 85 હજારે હતો જેમાં 15 હજાર જેટલો ઘટાડો થયો છે તેવી વિગતો બહાર આવી છે. કચ્છ એસ.ટી.ની હાલત અંગે પરિવહન અધિકારી સત્તાવાર રીતે વાત કરતાં તેમણે આંકડાકીય માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે કચ્છ જ નહીં સમગ્ર રાજ્યમાં નિગમ ખોટ કરે છે. કચ્છમાં 1054 ટ્રીપોનું સંચાલન થાય છે જેમાં 124 એકસપ્રેસ રૂટ?છે  તે જ નફો કરે છે. બાકીની લોકલમાંથી 416 ટ્રીપો ખોટ કરે છે. રોજની આવક 25 લાખની આસપાસ છે પરંતુ સરેરાશ પ્રતિ કિલોમીટરે રૂા. 6ની નુકસાની થાય છે. રોજ કચ્છ વિભાગનું 1.20 લાખ કિલોમીટર બસોનું આવન-જાવન છે. તેમાંથી આ 416 ખોટ કરતા રૂટોના સરેરાશ આ રોજ રૂા. 7.20 લાખ ખોટ થાય છે એમ તેમણે કહ્યું હતું. તેમણે જણાવ્યું કે એક કિલોમીટરના સંચાલન પાછળ વિભાગને રૂા. 15નો ખર્ચ થાય છે એ જોતાં જે ખાલી રૂટ દોડે છે તેમાં ખોટ થતી હોવાથી આવક અને ખોટના સરેરાશ આંકડા પ્રમાણે ખોટ વધતી જાય છે. વિશેષમાં માહિતી આપતાં પરિવહન અધિકારીએ જણાવ્યું કે તાજેતરમાં સરકારની સૂચના  હતી કે જે ગામમાં એક પણ બસ ન જતી હોય એવા ગામોને એસ.ટી. બસ સેવાથી જોડવામાં આવે કચ્છમાં 168 ગામ એવા હતા જ્યાં એક પણ એસ.ટી. બસ જતી નહતી. પરંતુ હવે 100 ગામોને બસ સેવાથી જોડી દેવામાં આવ્યા છે. આ એવા ગામો છે જ્યાં જતી ટ્રીપો મોટાભાગની ખોટ કરી રહી છે એમ તેમણે જણાવ્યું હતું. 100 ગામોને જોડવાથી એસ. ટી. વિભાગ ઉપર વધુ 1500 કિલોમીટરનું ભારણ વધી ગયું છે. ઉપરાંતમાં સરકારની સૂચના પ્રમાણે વિકલાંગ, અભ્યાસ કરતી છાત્રાઓ, એવોર્ડ વિજેતા શિક્ષકો વગેરેને મફત મુસાફરી કરવા દેવામાં આવે છે આવા કારણોસર પણ એક સેવાના હેતુથી આવકમાં નોંધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે. એક સમય એવો હતો કચ્છ વિભાગ આવકની દ્રષ્ટિએ સમગ્ર રાજ્યમાં પ્રથમ હતો. આ વખતે શું સ્થિતિ છે એ સવાલ સામે પરિવહન અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ વિભાગને જોતાં કચ્છ એ આવકમાં અત્યારે રાજ્યમાં બીજા ક્રમે છે. મુસાફરોમાં ઘટાડો થઇ ગયો છે એ બાબતે તેમણે કહ્યું કે સમયની સાથે સામાન્ય લોકો પાસે ખાનગી વાહનો વધી ગયા છે એટલે સ્વભાવિકે અમુક પ્રવાસીઓ જે બસમાં બેસતા હતા એ હવે પોતાના વાહનથી પ્રવાસ કરે છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer