અંતરજાળ તા.પં.ની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપમાં બળવો : એક જૂથ કોંગ્રેસમાં ગયું

ગાંધીધામ, તા. 22 : તાલુકા પંચાયતની અંતરજાળ ગામની બેઠકની યોજાનારી પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે સત્તાપક્ષ ભાજપનું એક જૂથ બળવો કરીને કોંગ્રેસમાં ભળી જતાં રાજકીય માહોલમાં ભારે ગરમાવો આવ્યો છે. ટિકિટ ફાળવણીના મામલે ગજગ્રાહ સર્જાયા બાદ એક જૂથે ભાજપ સાથે છેડો ફાડતાં સત્તાધારી પક્ષમાં ભડકો થયો હતો. આ ઘટનાના કારણે પેટા ચૂંટણી  રસપ્રદ બની રહેશે. તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન રમેશ મ્યાત્રા ત્રીજા સંતાનના પિતા થયા હતા. તેમની સામે આ મામલે અરજી થયા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરાતાં આ બેઠક ખાલી પડી હતી. ટિકિટ ફાળવણી મામલે ભાજપમાં વર્તમાન અને પૂર્વ ધારાસભ્યના જૂથ વચ્ચે ગજગ્રાહ સર્જાયો હતો. ભાજપે સસ્પેન્ડ થયેલા રમેશ મ્યાત્રાના ભાઈ ધનેશ નારણ મ્યાત્રાને ટિકિટ આપતાં નારાજ  જૂથના લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. જેમાં તાલુકા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ શામજી મ્યાજર મ્યાત્રા, અંતરજાળના ઉપસરપંચ મુકેશ આગરિયા, માદેવા જરૂ, ગોવિંદ મ્યાત્રા, નીકુ મ્યાત્રા, ધનજી મ્યાત્રા, શામજી મ્યાત્રા, વાલજી આહીર, રાજેશ મ્યાત્રા સહિત 100થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાનું તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઓસમાણ ગની માંજોઠીએ જણાવ્યું હતું. ભાજપના ઉમેદવાર  ધનેશ મ્યાત્રાએ ફોર્મ ભર્યું હતું, જ્યારે કોંગ્રેસ તરફથી રમેશ નારણ મ્યાત્રાએ ફોર્મ ભર્યું હતું, જ્યારે ડમી ઉમેદવાર તરીકે ધરમશી મ્યાજર જરૂએ ફોર્મ ભર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer