અંજારમાં આધારકાર્ડની કામગીરીમાં સરકારી પ્રમાણપત્ર નથી ચલાવાતાં !

ગાંધીધામ, તા. 22 : અંજારના નગરપાલિકા સંકુલમાં ચાલતા આધારકાર્ડ કેન્દ્રમાં યોગ્ય વ્યવસ્થા નહીં  હોવાની  અનેક ફરિયાદો વચ્ચે આધારકાર્ડમાં  નામ ફેરબદલ માટે સરકારી દસ્તાવેજી પુરાવાના બદલે ચૂંટાયેલા પ્રતિનિધિના પ્રમાણપત્રનો આગ્રહ રખાતાં લોકોની સમસ્યામાં વધારો થયો છે, તો  સરકારી તંત્ર  આ મુદ્દે અજાણ હોવાનું સપાટી પર   આવ્યું છે. આમઆદમીનો આધાર એવા આધારકાર્ડથી વંચિત રહેનારા લોકો માટે તંત્ર દ્વારા ખાનગી એજન્સીની નિમણૂક કરી અંજારની નગરપાલિકામાં સેવા શરૂ કરવામાં આવી છે, પરંતુ આ  કેન્દ્રમાં યોગ્ય વ્યવસ્થાના અભાવે  લોકોને ધરમના ધક્કા ખાવા પડે છે તેમજ અત્રે કામગીરીનો સમય  તથા જરૂરી દસ્તાવેજ સહિતની વિગતો દર્શાવતાં પાટિયાં મૂકવામાં ન આવતાં પ્રજા ગેરમાર્ગે દોરાય છે. મનઘડંત રીતે  ચાલતા કેન્દ્રમાં નાણાં લેવામાં આવતા હોવાના પણ આક્ષેપો લોકોએ કર્યા હતા. શહેરીજનોએ વિગતો આપતાં જણાવ્યું હતું કે,  આધારકાર્ડમાં નામ ફેરબદલી માટે સરકારી દસ્તાવેજોને માન્ય રાખવામાં આવતા નથી. તેના બદલે જે-તે વિસ્તારના ચૂંટાયેલાપ્રતિનિધિનું પ્રમાણપત્ર માગવામાં આવે છે તેમજ અરજદારને કોઈ પ્રકારે  કાગળોમાં ક્ષતિ કાઢીને પાછા મૂકવામાં આવે છે.પત્નીના આધારકાર્ડમાં પિતાના સ્થાને પતિનું નામ ફેરબદલ કરવા માટે સરકાર દ્વારા  અપાયેલું લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવતું નથી. આ કિસ્સામાં સ્થાનિક નગરસેવકના પ્રમાણ- પત્રનો આગ્રહ રાખવામાં આવતો હોવાનું ધ્યાને આવ્યું હતું. આ વેળા કેન્દ્રના કામદાર પાસે આ પ્રકારનો નિયમ હોવા અંગે જરૂરી દસ્તાવેજની માગણી  કરવામાં આવી હતી ત્યારે નિયમો જિલ્લા કલેક્ટર કચેરીના હોવાનું  જણાવાયું હતું.આ અંગે અંજાર મામલતદાર શ્રી રાજગોરનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આધારકાર્ડ માટે તમામ સરકારી દસ્તાવેજી પુરાવાને  માન્યતા આપવામાં આવી છે. ચૂંટાયેલા પ્રતિનિધિના પ્રમાણ- પત્રની જરૂરિયાત રહેતી નથી. આખા અંજાર શહેરમાં આધારકાર્ડની કામગીરી માટે  એક જ કિટ હોવાનું તેઓએ ઉમેર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer