આજે ભુજમાં જામશે `રેઝમેટાઝ''નો રંગ

ભુજ, તા. 22 : `રાહગિરિ'ના આમ તો દરેક આયોજનોએ જમાવટ કરી જ છે પણ બીજી વર્ષગાંઠના ઉપલક્ષ્યમાં ટીમ રાહગિરિ આવતીકાલે સવાયો સફળ કાર્યક્રમ આપવા કમર કસી રહી છે. ભુજ હાટ ખાતે 23મી સપ્ટેમ્બરે સાંજે 6 વાગ્યાથી `રેઝમેટાઝ'માં ફેશન શો, ફ્લેશ મોલ, વિવિધ પરફોર્મન્સ, ફૂડ બજાર ઉપરાંત પોતાના ક્ષેત્રમાં ચૂપચાપ ઉત્કૃષ્ટ અને સમાજોપયોગી યોગદાન આપતા વીરલાઓને રાહગિરિના ખાસ એવોર્ડ વિતરણ સહિતના કાર્યક્રમો આકર્ષણરૂપ બનશે. `કચ્છમિત્ર' રાહગિરિમાં મીડિયા પાર્ટનર છે. સપ્ટેમ્બર 2016થી ભુજમાં રાહગિરિની સફર શરૂ થઇ હતી. ટીમ રાહગિરિએ મ્યુઝિકલ અને ડાન્સ, ફેશન શો, સાઈકલ મેરેથોન, યોગ, શેરી રમતો, ફૂડ કોમ્પિટીશન, બોક્સ ક્રિકેટ સહિતનાં અનેક આયોજનોથી હુન્નરબાજોને એક સારું પ્લેટફોર્મ આપ્યું છે, તો શહેરીજનોને પણ મનોરંજન સાથે સામાજિક સંદેશના પ્રસાદ પીરસ્યા છે. `રાહગિરિ' દ્વારા કળા અને સંસ્કૃતિમાં, બિઝનેસમાં, સામાજિક ક્ષેત્રમાં, શિક્ષણમાં, ખેલકૂદમાં અને આરોગ્ય મોરચે પ્રસિદ્ધિની ખેવના રાખ્યા વિના મહત્ત્વનું કામ કરનારા લોકોને આવતીકાલે એવોર્ડ અપાશે. પરફોર્મન્સમાં સોલો ડાન્સ (ડીઆઇડીના સ્પર્ધક), સેમિક્લાસિકલ ડાન્સ, ફોક ડાન્સ, ગ્રુપ ડાન્સ અને કિડસ ગ્રુપ ડાન્સ જમાવટ કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer