દહીંસરા પંથકમાં મચ્છરોના કારણે તાવનો ઉત્તરોત્તર વધતો ઉપદ્રવ

દહીંસરા (તા. ભુજ) તા. 22: આ ગામે કેટલાક દિવસોથી મચ્છરો તેમજ અન્ય જીવજંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે સાથે ડેંગ્યુ તાવ ઝેરી મેલેરિયા તાવના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. આ તાવના ખાટલાઓ ઘરે ઘરે મંડાય તે પહેલાં જંતુનાશક દવાનો છંટકાવ આ પંથકમાં કરવાની લોકમાગણી ઊઠી છે. થોડા દિવસો પૂર્વે નજીવો વરસાદ પડવાની સાથે આ મચ્છરો સાથે નાના મોટા જીવ જંતુઓનો ઉપદ્રવ વધી ગયો છે. જેની લોકોના આરોગ્ય ઉપર ગંભીર અસર થવા માંડી છે. રાત્રે લાઈટો ચાલુ કરવાની સાથે મચ્છરો અને જીવાતો એકઠી થવા માંડે છે. ટી.વી.ની આસપાસ જીવાતોનો જમેલો જોવા મળે છે. મચ્છરોના કારણે મેલેરિયા તાવના દર્દીઓ વધી રહ્યા છે. ચુનડી રોડ ઉપર રહેતા યુવાનને ડેંગ્યું તાવનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ભુજ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ દર્દી દહીંસરા પરત આવ્યો છે. ગામના એક કિસાન અગ્રણીને 10 દિવસથી તાવ આવે છે. ગ્લુકોઝના બાટલા દરરોજ ચઢાવવા પડે છે. કેરા રોડ ઉપર ગામની મધ્યમાં રહેતો છોકરો તાવમાં ચાર દિવસથી સપડાયો છે. સારવાર ચાલુ છે. પાણીમાં ક્લોરીન નાખવામાં આવતું નથી તેવી ફરિયાદો બહાર આવી છે. આરોગ્ય તંત્ર જાગે એવી માગણી છે. ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાય છે. ગ્રામકક્ષાએ સફાઈનું આયોજન કરવું લોકહિતમાં રહેશે. ગામમાં દવાઓનો છંટકાવની માગ ઉઠી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer