ભુજ તા.માં સસ્તા અનાજના જથ્થામાં કાપથી લોકો પરેશાન

ઢોરી (તા. ભુજ), તા. 22 : તાલુકાની વાજબી ભાવની દુકાનોમાં માલમાં કાપ મુકાતાં સ્થાનિકે કાર્ડધારકોની પરેશાની વધી હોવાની ફરિયાદ ઊઠી છે. આ અંગે તા. કોંગ્રેસ મહામંત્રી મેરિયા ધનજી રાણાની યાદીમાં જણાવાયા મુજબ, રાજ્ય સરકારની જાહેર વિતરણ વ્યવસ્થાના ભાગરૂપે કચ્છમાં અંદાજે 120 જેટલી સરકારી વાજબી ભાવની દુકાનોમાં પૂરતો જથ્થો ન અપાતાં અને વિતરણ વ્યવસ્થા ન થતાં ઢોરી, સુમરાસર, કુનરિયા, કોટાય, ઝુરા કેમ્પ, દેશલપર, કેરા, બળદિયા જેવાં ગામોના દુકાનધારકોને આ અંગે ગ્રાહકોએ પૂછતાં તેમણે જણાવ્યું કે, ઉપરથી જથ્થામાં 50 ટકાથી વધારે કાપ હોવાથી પરમિટ મેળવી નથી, જેથી આ બાબતે અધિક કલેક્ટર ડી.આર. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીના મદદનીશ એમ.સી. પટેલ પાસે રજૂઆત કરતાં તેમણે કહ્યું કે, ઉપરથી કાપ હોવાથી તેઓ કાંઈ કરી શકે એમ નથી અને દુકાનધારકોની ફરિયાદ ગાંધીનગર પુરવઠા સચિવ સુધી પહોંચાડી હોવાનું ઉમેર્યું હતું.  જો આ પ્રશ્નનું સાત દિવસની અંદર નિરાકરણ નહિ આવે તો કાર્ડધારકોની ચિંતાને લઈને કલેક્ટર પાસે આમરણ ઉપવાસ આપવાની  ચીમકી   શ્રી  મેરિયાએ ઉચ્ચારી હતી. ઢોરી ગામના  માજી સરપંચ વાલાભાઈ   દેવરાજભાઈએ  પણ આ પ્રશ્ને લડતની હાકલ કરી હતી.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer