પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં કચ્છના 1.37 લાખ પરિવાર

કિશોર ગોર દ્વારા  ભુજ, તા. 22 : 23મી સપ્ટેમ્બરે શરૂ?થતી પ્રધાનમંત્રી જન આરોગ્ય અભિયાન યોજના-આયુષમાન ભારત યોજના અંતર્ગત રૂા. પાંચ લાખની મર્યાદામાં દેશભરની માન્ય ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિદાન, સારવાર અને શત્રક્રિયા લાભાર્થી પરિવારો વિનામૂલ્યે કરાવી શકશે. આ યોજનામાં કચ્છના અંદાજિત 1.37 લાખ?પરિવારો આવરી લેવાશે. કેન્દ્ર સરકારની અમલી થનારી યોજના કરતાં રાજ્ય સરકારની હાલની મુખ્યમંત્રી મા અને મા વાત્સલ્ય યોજનામાં કચ્છના લાભાર્થીઓની સંખ્યા વધારે છે. કચ્છમાં 1.83 લાખ લાભાર્થી પરિવારો છે. રાજ્ય સરકારની આ તબીબી યોજના હેઠળ હાલે કચ્છની સાત હોસ્પિટલો સમાવાઇ છે. જ્યારે કેન્દ્ર સરકારની યોજનામાં હોસ્પિટલો વધવા સંભવ છે. મા અને મા વાત્સલ્ય હેઠળ સાત ગંભીર પ્રકારની બીમારીનો સમાવેશ?થાય છે, તે સામે આયુષમાન ભારત યોજના હેઠળ 1617 બીમારીના પેકેજ નક્કી કરાયા છે, એટલું જ નહીં તે સિવાયની બીમારી હોય તો પૂર્વ મંજૂરી લઇ સારવાર લઇ શકાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષમાન ભારત યોજના માટે ત્રણ હજાર કરોડ?જાહેર કર્યા છે. આ યોજનાના કચ્છ જિલ્લાના નોડેલ અધિકારી સી.ડી.એચ.ઓ. ડો. પાંડે રહેશે. મુખ્યમંત્રી મા અમૃતમ યોજના અને મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના હેઠળ કિડની, હૃદય, મગજ, કેન્સર, ગંભીર અકસ્માત, નવજાત બાળકોના ગંભીર રોગ અને દાઝી ગયેલી વ્યક્તિને રાજ્ય સરકાર દ્વારા કુલ ત્રણ લાખ રૂપિયાની મર્યાદામાં આ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં કેશલેસ (મફત) સારવાર અપાય છે. આ યોજના હેઠળ કુટુંબના વધુમાં વધુ પાંચ સભ્યોને લાભ મળવાપાત્ર છે. જો કે નવજાત શિશુને ગંભીર બીમારીમાં છઠ્ઠી વ્યક્તિ તરીકે સારવાર પાત્ર ગણાય છે. જિલ્લા પંચાયત કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પંકજકુમાર ટી. પાંડે અને ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસર બિપિનભાઈ આહીરે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2012થી શરૂ થઇ છે. મા કાર્ડ બનાવવા માટે બીપીએલ રાશનકાર્ડ, પરિવારજનોના ઓળખપત્ર અને સભ્યોની હાજરી જોઈએ. વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે રાશનકાર્ડ, ઓળખપત્ર, સક્ષમ અધિકારીઓનો આવકનો દાખલો, આ અધિકારીમાં શહેરી વિસ્તારમાં મામલતદાર, નાયબ મામલતદારનો જ્યારે ગ્રામીણ વિસ્તાર માટે તાલુકા વિકાસ અધિકારીનો ઉપરાંત ડી.ડી.ઓ., ના. ડી.ડી.ઓ., જિલ્લા કલેક્ટર અને ના. કલેક્ટરનો દાખલો માન્ય ગણાય છે. આશા અને ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓ તેમજ માન્ય પત્રકારોને અનુક્રમે મેડિકલ ઓફિસરનું પ્રમાણપત્ર, કચેરીના વડાનું પ્રમાણપત્ર, એક્રેડિટેશન કાર્ડ, રાશનકાર્ડ તથા પરિવારના સભ્યોના ઓળખપત્રો તેમજ સભ્યોની હાજરી જરૂરી હોય છે. ભુજની લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસીસની જ્યારે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં મગજ, હાડકાં અને કેન્સરની સારવાર માન્ય કરાઈ છે. ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં હૃદયરોગ સંબંધી, કિડની તેમજ કેન્સરની માન્ય સારવાર મળી શકે છે. માંડવીની એઈમ્સ હોસ્પિટલમાં દાઝી ગયેલા, કિડની, મગજ, નવજાત બાળકોના ગંભીર રોગ, ગંભીર અકસ્માત તેમજ કેન્સર રોગની સારવાર માન્ય કરાઈ છે. મુંદરાની મિમ્સ હોસ્પિટલમાં કિડની રોગ જ્યારે ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલમાં ડાયાલિસીસની સારવાર કાર્ડધારક દર્દીને વિનામૂલ્યે અપાય છે. યોજના હેઠળ લાભાર્થીઓ માટે માન્ય હોસ્પિટલમાં રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રિપોર્ટ, સર્જરી, સર્જરી બાદની અનુવૃતિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ, દર્દીને ખોરાક, ફોલોઅપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer