-તો ભુજ તા.ના સરકારી પ્રા. શિક્ષકો ખેલ મહાકુંભનો બહિષ્કાર કરશે !

ભુજ, તા. 22 : ખેલ મહાકુંભ તળે આર. ડી. વરસાણી શાળા સંકુલમાં યોજાયેલી તાલુકાકક્ષાની ખેલ મહાકુંભની યોગ સ્પર્ધા વેળાએ ઉપસ્થિત એક રેફરી દ્વારા સ્પર્ધક છાત્રોને લઇ આવેલા પ્રાથમિક સરકારી શાળાના શિક્ષકો સાથે ગેરવર્તનના આક્ષેપ સાથે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજે જો યોગ્ય કાર્યવાહી ન થાય તો ખેલ કુંભના બહિષ્કાર સહિતના વિરોધની ચીમકી આપી છે. આ શિક્ષકોએ રોષભેર જણાવ્યું હતું કે સરકારી શાળાના ગુરુજનોનું અપમાન સાંખી લેવાય નહીં. દરમ્યાન જિલ્લા રમતગમત વિભાગે આ સંદર્ભમાં હકારાત્મક ઉકેલની ધરપત આપી છે. ભુજ તા. પ્રા. શિ. સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજાએ જિલ્લા રમતગમત અધિકારીને પાઠવેલા આવેદનપત્રમાં આક્ષેપ કર્યો હતો કે યોગની ઇવેન્ટ દરમ્યાન ઉપસ્થિત રેફરી-કોચે `અમને સરકારી પ્રા. શાળાના બાળકોની જરૂર નથી' એમ કહીને રજૂઆત કરનારા દસેક શાળાના શિક્ષકોને બહાર તગેડી નાખવાનું કહીને અપમાન કર્યું છે. ઉદ્ધત વર્તન કરનારાઓને બીજી વાર કોઇ જવાબદારી અપાય નહીં એ સુનિશ્ચિત થવું જ જોઇએ. શિક્ષકોએ સરકારે શાળાના શિક્ષકોનું સ્વમાન જળવાય, સરકારી પ્રા. સ્કૂલોમાંથી પણ કોચની નિમણૂક થાય, દૂરથી આવતા વિદ્યાર્થી-શિક્ષકોને ભથ્થાં અપાય, હાજર તમામ છાત્ર-શિક્ષકોને હાજરી પ્રમાણપત્ર અપાય, દરેક ઇવેન્ટની જાણકારી અપાય એવી માંગ કરીને તે પ્રત્યે ધ્યાન ન અપાય તો ગાંધીચીંધ્યા માર્ગે વિરોધની ચીમકી આપી છે. ક્રિકેટ સાથે સંકળાયેલી એક વ્યક્તિ તરફ શિક્ષકોએ અંગુલિનિર્દેશ કર્યો હતો. દરમ્યાન જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમારનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે એ શિક્ષકો સાથે મારી વાત થઇ?છે અને મેં તેમને યોગ્ય કાર્યવાહી અને હકારાત્મક ઉકેલની ધરપત આપી છે. સરકારી શાળાના શિક્ષકોને ભાગ લેવાથી રોકી શકાય જ નહીં. તાલુકાકક્ષાની સ્પર્ધાઓ એકસાથે યોજાતી હોવાથી અમારી કચેરી જે તે તાલુકાકક્ષા મુજબ કન્વીનરોને આયોજન સોંપતી હોય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer