વાગડમાં ચેરિયા નિકંદન રોકવા ડીપીટીની મોટી ટીમ ઊતરી પડી

ગાંધીધામ, તા. 22 : ભચાઉ તાલુકાનાં વોંધ તથા જંગી આસપાસના કાંઠાળ વિસ્તારમાં ચેરિયાનું નિકંદન થતું હોવાની ફરિયાદને પગલે આજે સવારથી દીનદયાલ પોર્ટ ટ્રસ્ટની મોટી ટીમ ઊતરી પડી હતી  અને મશીનોની મદદથી ચાલતી આ ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવી હતી. ડીપીટીની આ ક્ષેત્રની લગભગ 100 કિ.મી. જેટલી વિશાળ જમીનમાં રાજકીય વગ ધરાવતાં તત્ત્વો દ્વારા થતી આ પેશકદમી અંગે જ્યારે પણ પ્રશાસનને જાણ થાય છે ત્યારે તેને અટકાવાય છે, પરંતુ પોલીસ સહિતની એજન્સીઓ કોઈ પગલાં નહીં લેતી હોવાથી આ પ્રવૃત્તિ ચાલતી રહે છે. આજે માલધારીઓ તથા ઊંટ ઉછેરક મંડળના પ્રતિનિધિઓ પણ ડીપીટીની ટીમ સાથે રહ્યા હતા. ચેરિયા નિકંદન કરતાં તત્ત્વો આ ટીમને જોઈને મશીનો લઈ નાસી છૂટયાં હતાં. ડીપીટીના જવાબદાર અધિકારી રવીન્દ્ર રેડ્ડીના જણાવ્યા પ્રમાણે, આ અંગે પોલીસને પણ રિપોર્ટ મોકલી દેવાયો છે. વોંધ તથા જંગીની દુર્ગમ ક્રીકમાં ઘૂસી જઈને દબાણકારો ચેરિયાનો સોથ વાળી ગેરકાયદે બંડ પણ બનાવતા હતા. આ પ્રવૃત્તિ કાયમીપણે રોકવા ડીપીટી તથા જિલ્લા પ્રશાસને સંયુક્ત કાર્યવાઈ કરવી જોઈએ તેવું સૂત્રોનું માનવું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer