બે સમરસ હોસ્ટેલનાં કાર્યમાં વિલંબની રાડ

ભુજ, તા. 22 : કચ્છ યુનિવર્સિટીનાં પ્રાંગણમાં ઊભી કરવામાં આવેલી અનુસૂચિત જાતિ, જનજાતિ અને ઓબીસી વર્ગ માટેની બે વિદ્યાર્થી હોસ્ટેલોનાં લોકાર્પણમાં વિલંબ થઇ રહ્યો હોવાની વધુ એકવાર ફરિયાદ ઊઠી છે. ભલે એ બાબતનો ખુલાસો થયો છે કે, સંચાલન યુનિ. હસ્તક નથી પરંતુ કોંગ્રેસે એવો આરોપ મૂક્યો છે કે, પત્ર દ્વારા અને મૌખિક રજૂઆતો છતાં છાત્રોને તે તુરતમાં ઉપયોગી બની રહે તે માટે તંત્ર દ્વારા કોઇ ઝડપ નથી થઇ. પ્રદેશ યૂથ કોંગ્રેસના મંત્રી અને વારંવાર શિક્ષણક્ષેત્રના પ્રશ્નો ઊઠવી રહેલા દીપક ડાંગરે અને અન્ય આગેવાનોએ જણાવ્યું હતું કે, 500 છાત્રોને સમાવી શકે તેવી ક્ષમતાવાળી 300 કરોડના ખર્ચે નિર્માણ પામેલા હોસ્ટેલનું સંચાલન યુનિ.નું હોય કે સમાજ કલ્યાણ ખાતા હસ્તક પણ બાંધકામ પૂર્ણ થઇ ગયાને લગભગ એકાદ વર્ષ જેવું થશે, લાંબા સમયથી એમ જ જવાબ અપાય છે કે ફર્નિચરનું કામ ચાલુ છે. હોસ્ટેલ એ વિદ્યાર્થીઓને અતિ આવશ્યક માંગવાળી બાબત છે. છતાં ઝડપ નથી થતી. ગુરુવારે જ્યારે આ હોસ્ટેલનું લોકાર્પણ કરી વિરોધ દર્શાવવાનો પ્રયાસ છાત્ર અગ્રણીઓએ કર્યો તો એ પહેલાં પોલીસબળથી અટકાવી દેવાયો. આગામી 4થી ઓકટોબરના પદવીદાન સમારોહની સાથે જ પં. શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ થતો હોય તો હોસ્ટેલ ખુલ્લી મૂકવાનું સાથે કેમ ન થઇ શકે. શાસક પક્ષના છાત્ર સંગઠનને યૂથ ફેસ્ટીવલમાં ભોજન સમારોહ સહિત આવકાર મળે તો બીજા છાત્ર સંઘ અગ્રણીઓને પ્રતીક વિરોધમાં પણ અટકાવવામાં આવે એ કેવું ?આ સંદર્ભે નાયબ નિયામક (અનુ. જાતિ) શ્રી પંડયાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું હતું કે હજુ તેમને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કબ્જો જ સોંપાયો નથી. ફર્નિચરનું કામ ચાલુ છે. દેખીતી રીતે કબાટ વિ. વિના વિદ્યાર્થી કેમ રહે ? એકવાર કબ્જો મળે પછી વોર્ડન સહિતનો સ્ટાફ નિમાશે. આ બધામાં તુરતમાં હોસ્ટેલ ચાલુ કરી શકાય તેવી સ્થિતિ નથી. બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગના મદદનીશ ઇજનેર શ્રી મારવાડાને હોસ્ટેલની સ્થિતિ વિશે પૂછતાં તેમણે કહ્યું કે, ફર્નિચરનું કામ ચાલુ જ છે. 60થી 70 ટકા કામ પૂર્ણ થઇ ચૂકયું છે. આગામી એકાદ મહિનામાં કામ પૂર્ણ થઇ જશે અને બંને હોસ્ટેલ સમાજ કલ્યાણ વિભાગને સોંપી દેવામાં આવશે. જે પ્રાંગણમાં આ હોસ્ટેલ આવેલી છે એ કચ્છ યુનિ.નાં કુલપતિ ડો. સી.બી. જાડેજાનો સંપર્ક કરતાં તેમણે કહ્યું કે, `જમીન ઉપલબ્ધતાને ધ્યાને લઇને જ આ હોસ્ટેલ યુનિ.માં બની છે. બાકી એવું નથી કે, માત્ર યુનિ.ના છાત્રો માટે હોય... અન્ય યુનિવર્સિટીઓની પણ સમરસ હોસ્ટેલો આ જ રીતે યુનિ.માં હોય છે, સંચાલન નહીં. દરમ્યાન એક અલગ યાદીમાં કુલસચિવે જણાવ્યું કે, આ હોસ્ટેલ માત્ર યુનિ. પરિસરમાં આવેલી છે એટલું જ. તેનાં બાંધકામની તમામ કામગીરી પી.ડબલ્યુ.ડી. હસ્તક કરવામાં આવી છે અને તેનું વહીવટી-સંચાલન સમાજ કલ્યાણ વિભાગ હસ્તક છે. અન્ય તમામ જવાબદારી હોસ્ટેલ પ્રવેશ, હોસ્ટેલની જાળવણી, સુરક્ષા    વિ. સમાજ કલ્યાણ વિભાગ   દ્વારા વહન કરવામાં આવશે. આ અંગે યુનિ.ની કોઇ જવાબદારી બનતી નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer