ભુજમાં જૈન સંઘ અને ભાડૂત વચ્ચેના મકાન વિશેના વિવાદમાં સુખદ સમાધાન

ભુજ, તા. 22 : શહેરમાં વાણિયાવાડ વિસ્તારમાં જૈન મોટા ડેલાની અંદર લીમડાવાળી શેરીમાં આવેલા મકાનબાબતે ભાડુઆત અને માલિક છ કોટિ જૈન સ્થાનકવાસી સંઘ-ભુજ વચ્ચે ચાલતા વિવાદમાં સુખદ સમાધાન થયું હતું. આ કિસ્સામાં ભાડૂત ધનસુખ ગોરધનદાસના ભાઇઓ મનસુખલાલ અને નિકુલ રમણીકલાલ મહેતાએ કાંઇપણ અપેક્ષા રાખ્યા વગર સંઘની તરફેણમાં સમાધાન સોગંદનામું કરી આપ્યું હતું.  આ પ્રકરણમાં ભાડૂત દ્વારા વર્ષ 2005માં એવો દાવો કરાયો હતો કે સંઘ તેમને  નવું મકાન બનાવી આપે.આ દાવો ચાલુ હતો તે દરમ્યાન સંઘના પ્રમુખ અમરશી શંભુલાલ મહેતા અને અન્ય ટ્રસ્ટીઓ તથા જ્ઞાતિના આગેવાનો ઉપરાંત જૈનાચાર્ય કલાપ્રભસૂરીશ્વરજી મ.સા.અને વિનોદભાઇ મહેતાની સમજાવટ થકી મામલામાં સમાધાન શક્ય બન્યું હતું.અત્રેના બીજા અધિક સિવિલ જજની કોર્ટમાં સમાધાનરજૂ કરાયું હતું, જેને લોકઅદાલતમાં મંજૂરી અપાઇ હતી. આ કિસ્સામાં ભાડૂત વતી અત્રેના ધારાશાત્રી કિરણભાઇ ગણાત્રા અને સંઘ વતી વકીલ તરીકે પંકજભાઇ એચ. વૈષ્ણવે હાજર રહીને કાયદાકીય કાર્યવાહી પૂર્ણ  કરાવી હતી. ભાડૂતના ભાઇઓએ કાંઇપણ અપેક્ષા વગર આ કાર્યમાં સહકાર આપ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer