દહીંસરામાં પીવા માટે મળે છે કાંયાવાળું પાણી : ત્રણ દાયકાથી પ્રશ્ન યથાવત

દહીંસરામાં પીવા માટે મળે છે કાંયાવાળું પાણી : ત્રણ દાયકાથી પ્રશ્ન યથાવત
દહીંસરા (તા. ભુજ), તા. 18 : આ ગામ સુખી સમૃદ્ધ તરીકેની છાપ ધરાવે છે, પણ આ ગામે પીવાના પાણીમાં કાંયારૂપી કલંક કાળી ટીલી સમાન છે. છેલ્લા ત્રણ દાયકાઓથી કાંયાનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું ગયું છે. ગ્રામ પંચાયત હસ્તે પાણી યોજનાનું સંચાલન પાણી સમિતિ દ્વારા થાય છે. આજ દિવસ સુધી કોઇ નક્કર પગલાં ભરાયાં નથી તેથી લોકો પરેશાન છે. શુદ્ધ પાણીની જરૂરિયાત લોકોની માંગ છે. તે સંતોષવા જરૂરી પગલાં ભરાય એ સમયની માંગ છે. આ કાંયારૂપી પાણી પીવાથી ગ્રામજનો પરેશાન છે. નળ વાટે આવતું પાણી સાત-આઠ ડોલ ઢોળી નાખવું પડે છે. કાંયાથી પાણીનો રંગ પીળો થઇ ગયો છે. આ પાણી પીવાથી પેટના દર્દો તેમજ પથરીના રોગોનો ભોગ બનાય છે. પાણી વેડફાય છે. પાણીના ટાંકામાં કાંયો સિમેન્ટ જેમ જામી જાય છે. ટાંકાઓ સાત દિવસે સાફ કરવા પડે છે. પાણીના ફિલ્ટરનો સફેદ રંગ એક જ દિવસમાં પીળો થઇ જાય છે. કપડાંનો રંગ પીળો પડી જાય છે. પરિસ્થિતિ નાજુક છે. પાણી સમિતિ કોઇ પગલાં ભરતી નથી તેવું ગ્રામજનો કહે છે. ગ્રામ પંચાયત અને પાણી સમિતિ સાથે મળીને મુશ્કેલીઓ દૂર કરે તેવી લોક લાગણી પ્રબળ બની છે. પીવાનાં પાણીમાં ટી.ડી.એસ.ની તપાસ થાય તો આ પાણી પીવાલાયક નથી તે સાબિત થશે. આ કાંયારૂપી કલંક ત્રણ દાયકાથી સતત સતાવે છે. કોઇ પગલાં ભરાયાં નથી તે દુ:ખદ બાબત છે. આરોગ્ય સાથે ચેડાં કરવા જેવી બાબત છે. લોકોના પ્રાણ પ્રશ્ને ગંભીરતાથી વિચાર કરીને ઉકેલ લાવવાનો સમય હવે પાકી ગયો છે તેવું ગ્રામજનોએ કહ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer