આરટીઓ કૌભાંડની તપાસ મહત્ત્વના પડાવ પર

ભુજ, તા. 18 : અહીંની આર.ટી.ઓ. કચેરીમાં ટેક્સચોરીના કૌભાંડમાં પોલીસે કર્મચારીઓ ઉપરાંત એજન્ટોની ભૂમિકા પર પણ ધ્યાન કેન્દ્રિત કરતાં ઉપરછલી રીતે સુષુપ્ત લાગતી તપાસ હવે વૈજ્ઞાનિક ઢબે સર્વગ્રાહી દિશા તરફ આગળ વધી રહી હોવાના નિર્દેશો સાંપડી રહ્યા છે. આજે તપાસનીશોએ આર.ટી.ઓ.માં કર્મચારીઓની ઊલટ તપાસ ઉપરાંત એજન્ટોનાં નામ-સરનામાં સહિતની વિગતો પણ અંકે કરતાં આગામી દિવસોમાં કાંઇક નવું બહાર આવે તેવી સંભાવના જોવાઇ રહી છે. આઇડી-પાસવર્ડની ચોરી થકી આચરાયેલા આ કૌભાંડ સંદર્ભે સાયબર ક્રાઇમ પોલીસના ટેકનિકલ જાણકારો ઝીણામાં ઝીણી વિગત એકત્ર કરી રહ્યા છે. ઉપરાંત આજે પોલીસ ફરી આર.ટી.ઓ. કચેરીના કર્મચારીઓ તેમજ કચેરીમાં જેની વધુ પડતી અવર-જવર છે તેવા એજન્ટો અને તેના માણસોના પણ પહેલી જ વખત નિવેદન લેવાનું શરૂ કરી દીધું છે. બીજી બાજુ જે પણ એજન્ટો-માણસોની આવન-જાવન સાયબર સેન્ટરોમાં છે તેની પણ વિગતો એકત્ર કરવાનું કામ સાયબર સેલે આરંભ્યું હોવાનું એજન્ટ વર્તુળોએ જણાવ્યું હતું. આમ, કચેરીમાં કર્મચારીઓ અને એજન્ટો વચ્ચેના વ્યવહારો પર પોલીસ હવે ધ્યાન કેન્દ્રિત કરી એક-મેકના તાણાવાણા ચકાસી રહી હોવાનું આ ક્ષેત્રના તજજ્ઞોને કળાઇ રહ્યું છે, અને આ થકી જ આ કેસને હવે યોગ્ય દિશા મળી રહી છે અને આગામી દિવસોમાં ચોંકાવનારી વિગતો બહાર આવવાની સંભાવના બળવત્તર બની છે. બીજી તરફ આ સમગ્ર કેસના ઉકેલનો જેના પર મદાર છે એવા આઇ.પી. એડ્રેસની વિગતો માટે સાયબર સેલ પોલીસ આતુરતાભેર રાહ જોઇ રહી     છે. પરંતુ હજુ સુધી તેની     વિગતો બહાર આવી નથી. આ કેસ સંદર્ભે સાયબર સેલ પોલીસના પી.એસ.આઇ. શ્રી દવેનો સંપર્ક સાધતાં તેમણે તપાસ ચાલુ હોવાનું કહી  વધુ વિગતો માટે પી.આઇ.નો સંપર્ક સાધવા જણાવ્યું હતું. બાદમાં પી.આઇ.શ્રી આલનો સંપર્ક કરતાં  તેઓનો ફોન વધુ એક વખત નો-રિપ્લાય મળતાં માહિતી મળી  શકી નથી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer