કેરાના સરપંચ સામે સા.ન્યા.ચેરમેને જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી

ભુજ, તા. 18 : તાલુકાના કેરા ગામે પંચાયતના સભ્યો વચ્ચેનો ડખો આજે વિધિવત ફરિયાદ સુધી પહોંચ્યો છે. સામાજિક ન્યાય સમિતિના ચેરમેને સરપંચ વિરુદ્ધ મારી નાખવાની ધમકીની પોલીસ ફરિયાદ નોંધાવતાં સંબંધિતોમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી ડાહ્યાલાલ હમીર મહેશ્વરી રહે. કુન્દનપર (કેરાએ) સરપંચ દિનેશ હરજી મહેશ્વરી (આયડી) વિરુદ્ધ માનકૂવા થાણામાં દાખલ કરેલી ફરિયાદ મુજબ પોતે પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન હોઇ સરપંચને ભ્રષ્ટાચાર બાબતે રજૂઆત કરી હતી, જેનું મનદુ:ખ રાખી આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવા તથા મરાવી નાખવાની ધમકી આપી હતી. કેરા બાલમંદિર પાસે પ્રથમ બોલચાલ પછી આ ઘટના બન્યાનું કહેવાયું છે. દરમ્યાન ફરિયાદીએ કચ્છમિત્રને આપેલી વિગત મુજબ પોતે મરણ પ્રસંગે લૌકિકમાં જઇ રહ્યા હતા ત્યાં સામે આવેલા સરપંચ દિનેશે કહ્યું કે, તું મારા વિરુદ્ધ જિ.પં. અધિકારીને ફરિયાદ કરવા કેમ ગયો હતો ? ઉગ્ર વાક્બાણ પછી પતાવી દઇશ એમ કહ્યાનું લખાવાયું છે. આપસી ખટરાગ અને શાંત જળમાં કાંકરીચાળો કરતી હારેલી છાવણીની મેલી મુરાદ હવે લોકો સમક્ષ પાધરી થતી જતી હોઇ સરપંચે કાબૂ ગુમાવ્યાનું લોકો ચર્ચી રહ્યા છે. આ સંદર્ભે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જાણકારોના નિર્દેશ મુજબ સરપંચના કથિત આવા વર્તનથી સમજુ લોકોમાં રોષ ફેલાયો હતો. અમુક જાગૃત નાગરિકોએ ગેરલાયક ઠેરવવા રજૂઆતો કર્યાનું જાણવા મળ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer