વિશ્વભરમાં વસતા લેવા પટેલ સમાજની વેબસાઇટનો થયેલો પુન: પ્રારંભ

કેરા (તા. ભુજ), તા. 18 : સામાજિક, સેવાકીય અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓથી વિશ્વવાસી ભગિની સંસ્થાઓ, તેના કાર્યકરો, જ્ઞાતિજનો અને દાતાઓ શુભેચ્છકોને અવગત રાખવાના સોપાનમાં કચ્છી લેવા પટેલ ભુજ સમાજે પોતાની પ્રચુર માહિતીસભર વેબસાઇટનો પુન: પ્રારંભ કર્યો હતો. મંગળવારે સમાજના તાન્ઝાનિયા નિવાસી શ્રેષ્ઠી ગિરધરભાઇ મેઘજી પીંડોરિયાના હસ્તે આ સેવા શરૂ થઇ હતી. પ્રથમ જ દિવસે ત્રણ હજાર જ્ઞાતિજનોએ વેબસાઇટની મુલાકાત લઇ આનંદ પ્રગટ કર્યો હતો. ઇ.સ. 200 હિજરત કાળથી 2018ની સમયરેખાની સોપાન શ્રેણી, કણબી કોમના વખતો વખતના પહેરવેશ, આભૂષણો, ભરત ગૂંથણ, વાસણ વ્યવહાર, વર્તમાન સંસ્થાઓની પ્રવૃત્તિઓ, પરિચય, સમાજ દ્વારા કૃષિ, શિક્ષણ, આરોગ્યક્ષેત્રે થયેલ -થનાર કાર્યક્રમોની ઝલક રજૂ કરાઇ છે. તો સમાજના આધારસ્તંભ દાતાઓ વખતો વખતના પ્રમુખો અને સમિતિ સહિતની સંઘર્ષગાથા આખે આખી મુકાઇ છે. આકર્ષક અને શ્રેણીબદ્ધ રજૂઆતો હાલ માતૃભાષા ગુજરાતીમાં પ્રસ્તુત કરાઇ છે જેને ટૂંક સમયમાં અંગ્રેજીના વિકલ્પ સાથે પૂર્તતા કરાશે. વેબસાઇટને માહિતીનો ખજાનો ગણાવતાં દાતા ગિરધરભાઇ મેઘજી પીંડોરિયાએ ખુલ્લી મૂકી હતી. તેમણે કહ્યું કે વર્ષો પછી આ ખૂટતી કડી સંધાઇ. છે. નાઇરોબી, યુ.કે., મોમ્બાસા સમાજોના અધ્યક્ષ અનુક્રમે ભીમજીભાઇ હાલાઇ, માવજી ધનજી વેકરિયા, ધનજીભાઇ પીંડોરિયાએ અભિનંદન આપ્યા હતા. ભુજ સમાજના પ્રમુખ હરિભાઇ હાલાઇના માર્ગદર્શન હેઠળ મંત્રી રામજી સેંઘાણી અને ઉપપ્રમુખ કે.કે. હીરાણીએ એક એક વિગતો ઝીણવટપૂર્વક મૂકવાનો પ્રયાસ કર્યો છે જે નવી પેઢી માટે પથદર્શક અને પ્રેરક બની રહેશે. એજ્યુકેશન મેડિકલ અધ્યક્ષ ગોપાલભાઇ માવજી ગોરસિયાએ કહ્યું કે સમાજના યુવકોનો આ પ્રલંબ પુરુષાર્થ છે. શ્રેષ્ઠી દેવશીભાઇ હાલાઇ, મંત્રી કેશરાભાઇ પીંડોરિયા, કારોબારી સભ્ય રમેશભાઇ હાલાઇ અને વીરમભાઇ રાબડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. યુવક સંઘ પ્રમુખ મનજીભાઇ પીંડોરિયા, મંત્રી વસંત પટેલે સાઇટની વિગતોની રજૂઆત કરી હતી. હવેથી સમાજના દરેક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ થઇ શકશે. www.sklpsbhuj.com કિલક કરવાથી સાઈટ ખૂલશે. વેબસાઇટ માટે ટેકનિકલ સહયોગ હેમલ ગોંડલિયા જ્યારે વિગતોનું સંકલન વસંત પટેલે કર્યું હોવાનું સંસ્થાએ જણાવ્યું હતું. સમાજની આ મહત્ત્વની કડીને ચોવીસી સમાજો તથા વિશ્વભરની સંસ્થાઓ સાથે જોડી દેવાઇ છે.