નિવૃત્ત થઇ વતનમાં આવેલા ફોજીનું સામૈયું

નિવૃત્ત થઇ વતનમાં આવેલા ફોજીનું સામૈયું
ફકીરમામદ ચાકી દ્વારા  કોટડા (ચ.), તા. 18 : અંજાર તાલુકાના ભલોટ ગામનો યુવાન ભારતીય સેનામાંથી સતરેક વરસ ફરજ બજાવી નિવૃત્ત થઇ પોતાના ગામે આવે છે તે સમાચાર જાણી સમગ્ર ગામ ઢોલ શરણાઇથી સન્માન કરવા તૈયાર થયું હતું. ગામના રિટાયર્ડ થયેલા ફોજી માધુભા નારાણજી જાડેજા જેમનું કુટુંબ ધરતીપુત્ર છે, તેઓ ભલોટ ગામે આવી પહોંચતાં સમગ્ર ગામે તેમને સામૈયા સાથે વાજતેગાજતે વધાવ્યા હતા. સરપંચ, અગ્રણીઓ તેમજ ગ્રામજનોએ સ્વાગત કરતાં સરહદી એવા કચ્છ જિલ્લામાં પણ ભારતીય સેના પ્રત્યે અજોડ પ્રેમ અને લાગણીભાવ છે. યુવાનના પિતા નારાણજી મમુભા જાડેજાના ત્રણ પુત્રોમાંથી માધુભા ભારતીય ફોજમાં, બીજા મહેન્દ્રસિંહ ગુજરાત પોલીસમાં પી.એસ.આઇ. છે. તો એક ખેતી સંભાળે છે. માધુભા નિવૃત્ત થઇ ગામમાં આવી પહોંચતાં ગામના સરપંચ બીજલ વસ્તા આહીર, માજી સરપંચો કરસન ચાવડા, હધુભાઇ આહીર, ગોપાલજી જાડેજા, બહાદુરસિંહ ભાટી, શિવુભા જાડેજા, જીતુભા જાડેજા, ખુમાનસિંહ જાડેજા સહિતે તેમનું સન્માન-સામૈયું કર્યું હતું. નિવૃત્ત ફોજી યુવાને જેમણે છેલ્લે જમ્મુ-કાશ્મીર સાંબા સેક્ટર ઇ.એમ.ઇ. બટાલિયન સ્પોર્ટિંગ ફોજમાં ફરજ બજાવી હતી તેવું જણાવ્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં પોતાની ફરજ અંગે તેમણે કહ્યું કે, ઘરમાં ભરાઇ બેઠેલા ભાન ભૂલેલા વિદેશી આકંતવાદીઓથી ફોજીઓને સતત સજાગ-જાગૃત રહેવું પડે છે. તેમણે તેમની ફરજ દરમ્યાન જમ્મુ-કાશ્મીરમાં દેશદ્રોહીઓ સાથે દેશપ્રેમીઓ ભારત દેશથી પ્રેમ કરનારાઓને પણ જોયા-સાંભળ્યા અને અનુભવ્યાનું જણાવ્યું હતું. તેમનો સંદેશ છે કે જેમ કચ્છ, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યો આપણા દેશના જન્મજાત દુશ્મનથી સરહદથી જોડાયેલા છે, તે ક્યારે પડોશી બદલી શકાશે નહીં, પણ કચ્છના યુવાનોના હૃદયમાં ધરબાયેલી દેશપ્રેમની લાગણીથી ભારતીય સેનામાં જોડાઇને દેશની સેવા કરવા સૂચન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન નીલેશગિરિ ગુંસાઇએ કર્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer