આજે ભારત-પાકિસ્તાનનો મહામુકાબલો

દુબઇ, તા. 18 : એશિયા કપ-2018ના લીગ રાઉન્ડનો સૌથી મોટો મુકાબલામાં બુધવારે ભારત અને પાકિસ્તાનની ટકકર થશે. આ હાઇ વોલ્ટેજ મુકાબલાને લઇને વિશ્વના કરોડો ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહયો છે. વર્ષ 2017માં ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલ બાદ ભારત-પાક. પહેલીવાર આમને-સામને હશે. આથી બન્ને દેશના ચાહકોને વધુ એક રોમાંચક ટકકર જોવા મળશે તેવી આશા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના દ્વિપક્ષી ક્રિકેટ સંબંધ રાજકીય તનાવને લીધે લાંબા સમયથી અટકી ગયા છે. બન્ને દેશ આઇસીસી કે એશિયાઇ ટૂર્નામેન્ટમાં જ આમને-સામને હોય છે. છેલ્લે પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારતને 124 રને હાર આપી હતી. ક્રિકેટના આ બે પરંપરાગત હરીફ જ્યારે દુબઇમાં ટકરાશે ત્યારે રણમાં ક્રિકેટની આંધી ફૂંકાશે તે ચોકકસ છે. ભારત એશિયા કપમાં નિયમિત સુકાની અને સ્ટાર બેટસમેન વિરાટ કોહલી વિના રમી રહયું છે. વિરાટનું ન હોવું પાકિસ્તાન માટે રાહતની વાત બની શકે છે. પાકિસ્તાનના ખેલાડીઓ પણ કહી ચૂકયા છે કે કોહલીનું ભારતીય ટીમમાં ન હોવું અમારા માટે રાહતજનક છે. કોહલીની ગેરહાજરીમાં સુકાનીપદ સંભાળી રહેલા રોહિત શર્મા પાસે ખુદને સાબિત કરીને પાકિસ્તાન સામે ટીમને જીત અપાવે. પાક. ટીમ પહેલા મેચમાં હોંગકોંગને 8 વિકેટે હરાવીને તેનું અભિયાન શરૂ કરી ચૂકયું છે. ભારતે પણ તેના અભિયાનની શરૂઆત હોંગકોંગ સામે જ કરી છે. પાકિસ્તાન સામેના મેચ દરમિયાન ભારતને તેના મીડલઓર્ડરને ચકાસવાનો મોકો મળશે. ખાસ કરીને અંબાતિ રાયડૂ, લોકેશ રાહુલ, મનિષ પાંડે, કેદાર જાધવ અને દિનેશ કાર્તિકમાંથી જેમને પણ તક મળશે તેમણે હિર ઝળકાવવું પડશે. પાક. સામેના સારા દેખાવથી આ ખેલાડીઓને ટીમમાં સ્થિર થવાનો લાભ મળી શકે છે. બીજી તરફ પાકિસ્તાનની તાકાત તેની બોલિંગ છે. પાકે. બોલિંગ તાકાતથી જ ભારત સામે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફતેહ હાંસલ કરી હતી. તેના બે મુખ્ય બોલર હસન અલી અને મોહમ્મદ આમિર છે. જ્યારે બેટિંગ મોરચે બાબર આઝમ, ફખર જમાન, ઇમમા ઉલ હક અને અનુભવી શોએબ મલિક છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer