આ દિવાળીએ કેસર કેરીથી મોં મીઠું થઇ શકશે

રાજકોટ, તા. 18 : આ દિવાળીએ તમે મહેમાનોને તાજાં રસદાર કેસર કેરી પીરસી શકશો..અસંભવ લાગતું હોવા છતાં આ બાબત ક્લાઈમેટ ચેન્જને કારણે આ વર્ષે શક્ય બની છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક હિસ્સાના કેરી પકવતા ખેડૂતો તેમના વૃક્ષો પર ફળ જોઈને આશ્ચર્યમાં પડી ગયા છે. અત્યારે લાગેલાં ફળને જોતાં તે બરાબર દિવાળીના સમયમાં પાકીને તૈયાર થઈ જશે એવી તેમને આશા છે.કૃષિ વૈજ્ઞાનિકો પણ કેસર કેરીના પાકથી ચકિત થયા છે કેમ કે સામાન્ય રીતે તેની સત્તાવાર સિઝન જૂનના અંતિમ સપ્તાહમાં પૂરી થઈ જતી હોય છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તેઓએ કોઈ આધુનિક કૃષિ ટેકનોલોજી અપનાવેલી નથી અને ફળ કુદરતી રીતે પાક્યાં છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ અનુસાર  કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામના ખેડૂત હરિસિંહ જાડેજાએ જણાવ્યું કે તે 10 વર્ષથી કેરીનો પાક લઈ રહ્યા છું, પરંતુ પહેલી જ વખત 35 વૃક્ષમાં આટલા મોડાં ફળ આવ્યાં છે. કદમાં આ ફળ મોટાં છે. જાડેજા 700 વૃક્ષો પરથી 9 હજાર કિલો કેરીનો પાક લે છે. અમરેલીના ધારી તાલુકાના દિતલા ગામના રણજિત ઝાલા નામના ખેડૂતના કેરીના વૃક્ષોમાં બે સપ્તાહથી મોર આવ્યા છે. તેણે પણ આશ્ચર્ય સાથે કહ્યું કે આવું પહેલી જ વખત બન્યું છે. કેરીનાં આ ફળ સામાન્ય કેસરની જેમ જ પાકે તેમ લાગે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના વડા આર.એસ. ચોવટિયાએ કહ્યું કે માત્ર કચ્છ જ નહીં, જૂનાગઢના કેટલાક આંબાવાડિયામાં પણ કેસર કેરી દેખાઈ છે જે દિવાળી સુધી પાકી જશે. ભલે આ ફળ મોટાં નથી. આ એક અનઅપેક્ષિત બાબત છે જે સંપૂર્ણ રીતે પર્યાવરણીય બદલાવને આભારી છે જેનો અભ્યાસ કરવો જરૂરી છે. જેએયુએ ખાસ કરીને કેસર કેરીનું હબ ગણાતા જૂનાગઢ પંથકમાં કેરી પર ક્લાયમેટ ચેન્જની અસર પર અભ્યાસ શરૂ કરી જ દીધો છે. તલાલાના કેરી ઉત્પાદક જયેશ હીરાપરાએ કહ્યું કે ગીર-ગઢડા તાલુકાના એક ખેડૂતે પણ તેનાં કેટલાંક વૃક્ષો પર કેસર કેરી જોઈ છે, પરંતુ તાજેતરના વરસાદને કારણે તેને નુકસાન થયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer