ટયૂશન મુદ્દે જિલ્લાનું શિક્ષણ તંત્ર ફરી હરકતમાં

ભુજ, તા. 18 : તાજેતરમાં શહેરના ઘનશ્યામનરમાં ટયૂશન ક્લાસ ચલાવતા સરકારી શિક્ષક સામે કાર્યવાહી બાદ થોડા દિવસના આરામ બાદ મંગળવારે ફરી જિલ્લાનું શિક્ષણ તંત્ર હરકતમાં આવ્યું હતું અને ભુજ, ગાંધીધામ, અંજાર, આદિપુર અને ભચાઉમાં ચાલતા ટયૂશન ક્લાસો પર તપાસ હાથ ધરાઈ હતી. જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી પ્રાપ્ત થયેલી વિગતો મુજબ કચેરીને મળેલી ફરિયાદોના આધારે તંત્ર દ્વારા ભુજ, ગાંધીધામ, અંજાર, આદિપુર અને ભચાઉ ખાતે પાંચ-પાંચ સભ્યોની ટીમ બનાવી ઉપરોક્ત સ્થળોએ ચાલતા ટયૂશન ક્લાસો પર પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરાઈ હતી. જો કે આજની તપાસ દરમ્યાન કોઈપણ જગ્યાએ ટયૂશન કરાવતા સરકારી શિક્ષક પકડાયા નહોતા. જો કે, સૂત્રો પાસેથી મળેલી વિગતો મુજબ શહેરમાં જાણીતા ટયૂશન ક્લાસો પર ટીમ ત્રાટકી હતી. પરંતુ કોઈ શિક્ષક હાથ આવ્યા નહોતા. તેમ અમુક જગ્યાએ ટયૂશન ક્લાસ જ બંધ જણાયા હતા. તંત્ર દ્વારા છેલ્લા પખવાડિયાથી હાથ ધરાયેલી કામગીરીના કારણે અમુક ટયૂશન સંચાલકોએ સ્થળ બદલી અન્યત્ર ટયૂશન કરાવતા હોવાનું પણ જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 5મી સપ્ટે.ના શિક્ષકદિને જ માતૃછાયાના શિક્ષક સામે કાર્યવાહી બાદ એક જ સપ્તાહમાં ફરી એ જ શિક્ષક ટયૂશન કરાવતા ઝડપાયા બાદ અનેક જગ્યાએ ટયૂશન ક્લાસ ચાલતા હોવા છતાં કોઈ સામે કાર્યવાહી કરાતી ન હોવાના આક્ષેપ બાદ તેમજ કચેરીમાં આવેલી અનેક ફરિયાદો બાદ મંગળવારે તંત્રે ફરી કામગીરી હાથ ધરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer