વીજ મીટર ટેસ્ટરની પરીક્ષા રજાના દિવસે લેવામાં આવતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા

ભુજ, તા. 18 : પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની ભુજ સર્કલ હેઠળ ખાલી પડેલી વીજ મીટર ટેસ્ટરની જગ્યાઓ ભરવા માટે રજાના દિવસે લેવામાં આવેલી પરીક્ષાથી અનેક તર્ક-વિતર્ક સર્જાતાં તપાસ યોજવાની ખાતરી અપાઇ છે. પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે પી.જી.વી.સી.એલ.ના ભુજ સર્કલ એટલે કે પરિવહન વિભાગના જુદા જુદા પેટા વિભાગ હેઠળ મીટર ટેસ્ટરની જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડી છે. આ જગ્યાઓ માટે લાભાર્થીઓની કસોટી લેખિતમાં લેવામાં આવતી હોય છે. પ્રશ્ન પેપર વગેરે તૈયાર તો થઇ ગયા હતા પરંતુ પરીક્ષા આમ સામાન્ય સંજોગોમાં કચેરીના કામકાજના ચાલુ દિવસોમાં લેવાની હોય છે પરંતુ  બે દિવસ પહેલાંના રવિવારે તા. 16મીએ પરીક્ષાનો સમયપત્રક ગોઠવવામાં આવ્યો હતો. રવિવારે તમામ ઓફિસોમાં આમ રજા હોય છે, પરંતુ આ દિવસે ભુજ ખાતેની પી.જી.વી.સી.એલ.ની સર્કલ ઓફિસ ચાલુ હોવાનું જાણીને આશ્ચર્ય ફેલાયું હતું. મળેલી માહિતી પ્રમાણે આ દિવસે મીટર ટેસ્ટરની પરીક્ષા ચાલતી હોવાનું બહાર આવ્યું હતું, પરંતુ સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે આ ખાતાકીય પરીક્ષામાં લાગવગિયાને ગોઠવવા માટે રજાનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. બાવન જણ પરીક્ષા આપવાના હતા પરંતુ 46 લાભાર્થીઓ હાજર થયા હોવાનું જાણવા મળ્યું હતું. ચાલુ કામકાજના દિવસે પણ અધિકારીઓ કચેરીમાં માંડ મળતા હોય છે, પરંતુ રવિવારે પરીક્ષા લેવા સામે શંકાની સોય તાકવામાં આવી હતી. જો કે, આ બાબતે  પી.જી.વી.સી.એલ.ના અધીક્ષક ઇજનેર બી.પી. જોશીનો સંપર્ક સાધતાં તેમણે રજાના દિવસે પરીક્ષા લેવામાં આવી છે એ વાત સાચી છે. એના કારણો જાણી તેમણે તપાસ કરાવવાની ખાતરી આપી હતી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer