ભુજમાં પર્યુષણ પર્વે જીવદયા માટે 27 લાખ એકત્ર

ભુજ, તા. 18 : અહીંના છ કોટિ સ્થાનકવાસી જૈન સંઘમાં વંદિતાજી મહાસતીજી (ભગિનીવૃન્દ) આદિ ઠાણા-8ની નિશ્રામાં તથા સંઘ પ્રમુખ અમરશીભાઈ મહેતાના નેતૃત્વ હેઠળ પર્યુષણ મહાપર્વને તપ-ત્યાગ અને ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો જેમાં રૂા. 27 લાખ એકત્ર થયા હતા.સંઘમાં અનેકવિધ તપશ્ચર્યાઓની હારમાળાનું સર્જન થયું હતું જેમાં અનુક્રમે ચોથા વર્ષીતપના આરાધક પૂર્વીબેન પીયૂષભાઈ મહેતાના 39 ઉપવાસ, સ્વીટીબેન પ્રશાંતભાઈ મોરબિયાના 31 ઉપવાસ, મનુભાઈ દોશીના 17 અને 11 ઉપવાસ, વત્સલ મોરબિયાના 16 ઉપવાસ, પ્રેક્ષાબેન દોશીના 16 ઉપવાસ, ધારાબેન મહેતાના 16 ઉપવાસ તેમજ 62 અઠ્ઠાઈ તપ, ગણધર તપ, રજોહરણ તપ, પૌષધવ્રત સાથે 92 જેટલી તપશ્ચર્યાઓ થઈ હતી. મહાસતીજી તથા યુવા માર્ગદર્શક રોશનીજી મહાસતીજીની નિશ્રામાં સવારે આયોજિત શિબિરમાં 12પ ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. પ્રવચનમાં સુવ્રતાજી મહાસતીજી, સુહાનીજી મહાસતીજી દ્વારા પ્રવચનનો શ્રાવક-શ્રાવિકાઓ લાભ લઈ રહ્યા છે. ભારતીજી મહાસતીજી, ચાંદનીજી મહાસતીજી તથા કાવ્યાંજી મહાસતીજી દ્વારા સ્તવન દ્વારા સંઘને જિનભક્તિમાં જોડાયા હતા. વિશ્રુતીજી મહાસતીજી વૈયાવચ્ચ દ્વારા ઉત્તમ કાર્યમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સંવત્સરીના દિવસે મહાસતીજીઓનું જીવદયાના વિષય પર પ્રવચન અને સંઘના મંત્રી ધીરજભાઈ દોશી દ્વારા પાંજરાપોળ અને મૂંગા જીવોની હાલના સમયમાં થઈ રહેલી કફોડી હાલત માટે તેની યોગ્ય માવજતની વ્યવસ્થા માટે ટહેલ મૂકવામાં આવતાં સંઘના ભાઈ-બહેનોએ તેને વધાવતાં ખૂબ જ ટૂંકા સમયમાં 27 લાખ રૂપિયા જેટલી માતબર રકમ એકત્ર થઈ હતી તે માટે સંઘપ્રમુખ અમરશીભાઈ મહેતા તથા મંત્રી ધીરજભાઈ દોશીએ સંઘના તમામ સભ્યો માટે આભારની લાગણી વ્યક્ત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer