સિનુગ્રામાં વાડીમાં જુગારનો અડ્ડો ઝડપાયો

ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના સિનુગ્રા ગામની સીમમાં વાડીમાં એલ.સી.બી.એ છાપો મારી ધાણી પાસા વડે જુગટું ખેલતા 15 શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 1,76,900 તથા મોબાઇલ, વાહનો એમ કુલ્લ રૂા. 19,55,900ની માલમતા હસ્તગત કરવામાં આવી હતી. અંજારના વિજયનગર વિસ્તારમાં રહેનાર ચેતન સામજી સોરઠિયા નામના યુવાને સિનુગ્રા ગામે આવેલી પોતાની વાડીએ બહારથી ખેલીઓ બોલાવ્યા હતા અને વાડીમાં આવેલા મકાનમાં તેમને જુગાર રમાડતો હતો. દરમ્યાન પૂર્વ બાતમીના આધારે એલ.સી.બી.એ આ વાડીમાં દરોડો પાડયો હતો. મકાનમાં ધાણી પાસા વડે જુગટું ખેલતા વાડીમાલિક ચેતન સોરઠિયા સાથે પરેશ શંભુ વાઘમશી (સોરઠિયા), વિનોદ ધરમશી માલસતર (સોરઠિયા), હિતેશ લાલજી સોરઠિયા, અનિલ મનજી સોરઠિયા, ભરત ધરમશી ચોટારા (સોરઠિયા), કિરણ રતનશી બલદાણિયા (સોરઠિયા), આનંદ ભગવાનજી વાઘમશી (સોરઠિયા), રાહુલ લાલજી ચોટારા (સોરઠિયા), જયેશ રસિક બાંભણિયા, પરેશ લવજી બલદાણિયા, ધીરજ નાનજી વાણિયા, મનસુખ વાલજી હડિયા, સુરેશ પરષોત્તમ વાઘમશી અને ગોવિંદ રણછોડ ઠાકોર નામના શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સો પૈકી અમુક કોન્ટ્રાક્ટરો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ધરપકડ કરાયેલા આ ખેલીઓ પાસેથી પોલીસે રોકડ રૂા. 1,76,900 તથા 15 મોબાઇલ અને 8 વાહનો એમ કુલ્લ રૂા. 19,55,900ની માલમતા જપ્ત કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer