કાયદાની ભીંસથી કોટાયના યુવાનના ખૂનકેસમાં મુખ્ય આરોપી અંતે શરણે

ભુજ, તા. 18 : તાલુકાના આહીરપટ્ટી વિસ્તારના કોટાય ગામના જયદીપ મનજી ગરવા નામના યુવકની હત્યાના ભારે ચકચારી મામલામાં ચારેક મહિના સુધી ભાગેડુ રહેલા આરોપી ભુજના આર.ટી.ઓ. એજન્ટ મોહમ્મદ અસલમ ઓસમાણ સમા સામે ચોમેરથી કાયદાની ભીંસ વધતાં અંતે તે અદાલતના માધ્યમથી કાયદાના શરણે આવ્યો હતો. હાલતુરંત આ તહોમતદારને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી અપાયો છે. યુવતી સાથેના સંબંધને લઇને કોટાયના અનુ. જાતિના જયદીપ ગરવાની કરપીણ હત્યાનો આ કિસ્સો ગત તા. 8મી મેના બન્યો હતો. આ પછી મોહમ્મદ અસલમ સમા લાપતા બન્યો હતો. હાલમાં પોલીસ દ્વારા તેને ચોમેરથી કાયદાકીય ભીંસ અપાતાં તે રાજ્યની વડી અદાલતના શરણે આગોતરા જામીનની માગણી સાથે ગયો હતો, પણ હાઇકોર્ટે તેને સ્થાનિક અદાલત સમક્ષ હાજર થવાનું ફરમાન કર્યા બાદ ગઇકાલે તે ભુજની કોર્ટ સમક્ષ હાજર થયો હતો. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ખૂનકેસ અન્વયે હાથમાં ન આવતા આ ભાગેડુને ઝડપવા માટે પોલીસે તેનું સી.આર.પી.સી. 70 મુજબ પકડ વોરંટ કાઢ્યું હતું. આ પછી સી.આર.પી.સી. 82 અને 83 મુજબ નોટિસ કાઢીને વિવિધ સ્થળે ચોંટાડવા સહિતની કાર્યવાહી કરાઇ હતી. આ રીતે ચોમેરથી કાયદાની ભીંસ વધતાં અંતે તેને શરણાગતિનો સહારો લેવો પડયો હતો. આ પ્રકરણમાં કોર્ટને સંલગ્ન કાયદાકીય કાર્યવાહીમાં પોલીસ દળ વતી જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ સી. ગોસ્વામી હાજર રહ્યા હતા. દરમ્યાન, જેલ હવાલે કરાયેલા મોહમ્મદ અસલમનો પોલીસ જ્યડિશિયલ કસ્ટડીમાંથી હવે વિધિવત્ કબ્જો લેશે અને તેની સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યા પ્રકરણ જે-તે સમયે ભારે ચકચારી બન્યું હતું. વ્યવસાયે આર.ટી.ઓ. એજન્ટ એવા આ મુખ્ય આરોપીને પકડવા માટે રેલી અને રજૂઆતો સહિતના કાર્યક્રમો સામાજિક રાહે અપાયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer