ફેસબુક ઉપર વાંધાજનક વીડિયોથી ગુંદાલા ગામની શાંતિ ડહોળવા પ્રયાસ

મુંદરા, તા. 18 : તાલુકાના ગુંદાલા ગામના એક શખ્સે ફેસબુકના માધ્યમ દ્વારા ગામની શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક કોસ્ટલ પોલીસ સ્ટેશન સમક્ષ કરવામાં આવી છે.ગામની 85 વ્યક્તિની સહી સાથેના અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ગુંદાલાના રહેવાસી એવા આ શખ્સે પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી લાઇવ ફેસબુકમાં પોતાનો વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં ગેરબંધારણીય ભાષાનો ઉપયોગ કરાયો છે તથા ગામની લાગણી દુભાયેલી છે. તા. 23/9/18ના રોજ ગામમાં પૂજાવિધિ, હવન અને ગામ ફરતે ધારાવાહીનો ધાર્મિક કાર્યક્રમ હતો. આ વિધિનો ઉલ્લેખ કરીને ફેસબુકના માધ્યમ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું પત્રમાં જણાવવામાં આવ્યું છે. આવેદનપત્ર આપવા જવામાં ગામના અગ્રણી જખુભાઇ આહીર, દોલુભા રતનજી, વસંત મારાજ, રણજિતસિંહ જાડેજા, ભાવેશગિરિ ગોસ્વામી, ઓઢેજા અદ્રેમાન, ચાંદુભા જાડેજા વગેરે જોડાયા હતા. ફરિયાદી દ્વારા ફેસબુકની વાંધાજનક ટિપ્પણીની સી.ડી. બનાવીને તંત્રને આવેદનપત્ર સાથે આપવામાં આવી છે. આવેદનપત્રની જાણ વિવિધ સૂત્રોને કરવામાં આવી છે. મામલતદાર કચેરીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer