ભુજની ડેવલોપર્સ પેઢી સામે 71 ગ્રાહકના 49.80 લાખ ઓળવી જવાના મામલે ફોજદારી

ભુજ, તા. 18 : રહેણાકના હેતુ માટે હપ્તાથી પ્લોટ આપવાની યોજના જાહેર કર્યા બાદ આ યોજના પૂર્ણ થઇ ગયા છતાંયે પ્લોટ કે રૂપિયા ન આપનારા ભુજના ત્રણ ખાનગી ડેવલોપર્સ સામે રૂા. 49.80 લાખની રકમની છેતરપિંડી કરવા બાબતે યોજનાના એજન્ટ દ્વારા ફોજદારી ફરિયાદ નોંધાવાઇ હતી.  અબડાસાના નલિયાના રહેવાસી તથા મુંદરા તાલુકાના વિરાણિયા ગામે સન ડેવલોપર્સના નામે સન સિટી-2, 3 નામની યોજનામાં એજન્ટ તરીકે કામ કરનારા રાયચંદ શામજી ડાઘા (જૈન)એ આ બાબતે ભુજમાં ખારી નદી રોડ ઉપર રાહુલનગરમાં રહેતા ફિરોઝ મામદહુસૈન ખત્રી, ભુજમાં મુંદરા રિલોકેશન સાઇટમાં પ્રમુખસ્વામીનગરના પહેલા ગેટ પાસે રહેતા નીરવ બિપિનભાઇ વ્યાસ અને ગાંધીધામ ખાતે સુધેશનગર વિસ્તારમાં રહેતા સ્વરાજ લબ્ધિભાઇ મોમાયા સામે આ ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી આ વિગતો આપતાં જણાવ્યું હતું કે, આરોપી ડેવલોપર્સ દ્વારા રૂા. 1250ના માસિક હપ્તાથી 60 હપ્તાની રહેણાકના હેતુ માટેના પ્લોટની યોજના અમલી બનાવાઈ હતી. નિવૃત્ત જીવન ગાળતા ફરિયાદી રાયચંદ ડાઘાએ આ યોજનામાં એજન્ટ તરીકે જોડાઇને 71 સભ્ય બનાવ્યા હતા. આ 71 ગ્રાહકના હપ્તાની રકમ રૂા. 49.80 લાખ તેમણે ભુજમાં જિલ્લા પંચાયત સામે ધવલ કોમર્શિયલ સેન્ટરમાં કચેરી ધરાવતી ડેવલોપર્સ પેઢીમાં જમા કરાવ્યા હતા.  દરમ્યાન, ડિસેમ્બર-2011થી શરૂ થયેલી આ યોજના નવેમ્બર-2016 સુધી ચાલી હતી. યોજના પૂર્ણ થયા બાદ આજદિન સુધી ગ્રાહકોને પ્લોટ ન આપીને તથા લીધેલી રકમ રૂા. 49.80 લાખ પણ પરત ન આપી ઠગાઇ કરવામાં આવી હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે.  ભુજ શહેર એ. ડિવિઝન પોલીસ મથક દ્વારા આ પ્રકરણમાં વિવિધ કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. સબ ઇન્સ્પેક્ટર ટી.એચ. પટેલને તપાસ સુપરત કરવામાં આવી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer