નલિયા સીમમાં ગૌચર જમીન પર મોટાપાયે દબાણનો આક્ષેપ

નલિયા, તા. 13 : અબડાસાના મુખ્ય મથક નલિયાની સીમતળમાં ગૌચર જમીન પર મોટાપાયે દબાણ થતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી છે. આવું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના સદસ્યે માગણી કરી છે. જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં પ્રવીણ બુધિયાભાઇ ભાનુશાલીએ જણાવ્યું છે કે, ગૌચરના મોટાભાગના તમામ સર્વે નંબર પર દબાણ થઇ ગયું છે. એકંદર 3500 એકર જમીનમાં શિરજોર પરિબળોએ ગૌચર જમીન પચાવી પાડી છે. ગ્રામ પંચાયત દ્વારા આવું દબાણ દૂર કરવા તા. 28/6/2017ના ઠરાવ કર્યો હતો. જેને લાંબો સમય થઇ ગયો હોવા છતાં કોઇ કાર્યવાહી કરાઇ નથી. ખાસ કરીને ડોણ ગામની સીમમાં બુટા જેવું ઘાસ થાય છે. નબળાં વર્ષમાં આવા સૂકેલા બુટા પણ ઢોરો ખાઇ પોતાનો ગુજારો કરે છે પણ દબાણકારોએ તસુભાર જમીન ગૌચરની છોડી નથી. પોતાની પિયત જમીનની લગોલગ આવેલી ગૌચર જમીન ખેડી નાખી છે. આ બાબતે સક્ષમ તંત્ર ગૌચર જમીન દબાણ હટાવે તેવો હુકમ થવા જિલ્લા વિકાસ અધિકારી, મામલતદાર, ટીડીઓને પત્રની નકલો મોકલાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer