નર્મદાનાં સિંચાઇ પાણીમાંય અન્યાય

નર્મદાનાં સિંચાઇ પાણીમાંય અન્યાય
ગાંધીધામ, તા. 11 : રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં પડયો છે અને ખેતરોમાં ઊભેલો સોના જેવો પાક મૂરઝાઇ રહ્યો છે ત્યારે નર્મદાની સિંચાઇ કેનાલમાં છોડાતું 2500 એમ.એલ.ડી. જેટલું પાણી કચ્છ સુધી આવતાં આવતાં 100 એમ.એલ.ડી. થઇ જાય છે. કચ્છના કિસાનોએ જો 400 એમ.એલ.ડી. પાણી પણ આ સૂકા જિલ્લાને પહોંચે તો ખેડૂતોનો મોલ બચી જાય તેવી લાગણી વ્યક્ત કરી છે. વાગડના કિસાનોના જણાવ્યા પ્રમાણે માળિયા કેનાલની ક્ષમતા 2500 એમ.એલ.ડી. પાણી વહન કરવાની છે. અત્યારે તે પૂર્ણ કક્ષાએ ચાલે છે પરંતુ માળિયા પહોંચતાં પાણી માંડ 80 એમ.એલ.ડી. જેટલું જ રહે છે. કચ્છની કેનાલ તો કોરીકટ બની જાય છે. નર્મદા વિભાગના સૂત્રોએ જ કહ્યું હતું કે વચ્ચેથી અનેક સ્થળે ગેરકાયદે રીતે જળ લઇ લેવાય છે. તળાવો, કૂવા બધું જ ભરી લેવાતું હોવાથી પાણી આગળ પહોંચતું નથી. અધૂરામાં પૂરું અત્યારે કચ્છની પીવાના પાણીની લાઇન પણ મરંમતમાં હોવાથી તેની અવેજીમાં પીવા માટે 100 એમ.એલ.ડી. પાણી આ કેનાલમાંથી ઉપાડવાનું છે જે સંભવત: આવતીકાલે પહોંચશે તેવું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. માળિયાથી આગળ ધ્રાંગધ્રા, હળવદ વગેરે વિસ્તારમાં આ નર્મદા કેનાલ ઉપર હજારો પંપ ધમધમી રહ્યા છે. જે સિંચાઇ ઉપરાંત સંગ્રહ માટે પણ પાણી ખેંચી રહ્યા છે. પ્રશાસન જાણતું હોવા છતાં કોઇ રોકટોક નથી. અલબત્ત ક્યાંક ક્યાંક સમજાવટથી કામ થઇ રહ્યું છે. કચ્છના કિસાનોના જણાવ્યા  પ્રમાણે જો અમુક સમયે વીજળી બંધ રખાય તો કચ્છની કેનાલ સુધી પાણી પહોંચે. આટલા મોટા જથ્થામાંથી કચ્છના ભાગે કંઇ નહીં આવતું હોવાથી આ સૂકા જિલ્લાના ધરતીપુત્રો અકળાઇ ઊઠયા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer