રાપર તા.નું બ્લડ સ્ટોરેજ સેન્ટર પાંચ માસથી બંધ !!

રાપર તા.નું બ્લડ સ્ટોરેજ સેન્ટર પાંચ માસથી બંધ !!
મુકેશ ઠક્કર દ્વારા  રાપર, તા. 11 : સમગ્ર રાપર તાલુકા માટે આશીર્વાદરૂપ એવું સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ સ્ટોરેજ સેન્ટર છેલ્લા પાંચ માસથી બંધ હોતાં અનેક દર્દીઓની હાલત કફોડી બને છે. જુલાઈ-2016માં શરૂ થયેલા બ્લડ સ્ટોરેજ સેન્ટરમાં વર્ષ-2016માં 83 બેગ, 2017માં 98 બેગ અને આ વર્ષના પ્રથમ ત્રણ માસમાં 80 બેગ જેટલું બ્લડ એટલે કે અત્યાર સુધી 250 બેગ, 7500 સી.સી. રક્ત સેન્ટરમાંથી પહોંચાડાયું હતું. મોટાભાગે સગર્ભા ત્રીઓને પ્રસૂતિ સમયે કામ આવ્યું છે. રાપરના આ બ્લડ સેન્ટરને સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનમાં બેસ્ટ ડિસ્પેચનો એવોર્ડ મળેલો છે અને હાલે તે બંધ હોતાં તાલુકા માટે દુ:ખદ બાબત છે. રાપર તાલુકાનું એકમાત્ર બ્લડ સેન્ટર તાલુકાના 8 પી.એચ.સી. તથા ખડીર વિભાગનું ધોળાવીરા પી.એચ.સી. તથા જનાણનું સી.એચ.સી. અને રાપર શહેરના દર્દીઓ માટે આશીર્વાદપ છે. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિનામાં 120 જેટલી અંદાજિત પ્રસૂતિ થાય છે. 350 જેટલા માસિક ઈન્ડોર પેસન્ટ હોય છે અને રોજની 200થી 250ની ઓપીડી હોય છે અને સમગ્ર  તાલુકામાં અહીં સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય ટ્રસ્ટ હોસ્પિટલ તથા ખાનગી ગાયનેક ડોક્ટરોની હોસ્પિટલોમાં દર માસે 300 જેટલી પ્રસૂતિ થતી હોય છે. આવી મહિલાઓ કે જેમનું હીમોગ્લોબીન સાત ટકાથી ઓછું હોય એવી મહિલાઓને આ બ્લડ સેન્ટરનો લાભ મળતો હતો. વર્ષ 2015-16માં આવી સગર્ભા મહિલાઓનું મરણ પ્રમાણ 7થી 8 જેટલું હતું જે આ બ્લડ સેન્ટર શરૂ થયા પછી ઘટીને શૂન્ય થઈ ગયું છે. આ અંગે સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે જાણવા મળ્યું કે, માર્ચ-2018 પછી બ્લડ સેન્ટરનું લાયસન્સ રિન્યૂ થયું નથી. કારણ કે સી.એચ.સી.માં હાલે કોઈ તબીબ જ નથી. ત્રણ તબીબ અને એક ફાર્માસિસ્ટની જગ્યા છે જે ખાલી છે. આટલા મોટા તાલુકાનું મુખ્ય આરોગ્ય કેન્દ્ર જે સરકારના સીધા નિયંત્રણ હેઠળ છે ત્યાં તમામ તબીબની જગ્યા ખાલી છે. અત્યારે ભુજ જનરલ હોસ્પિટલથી તબીબ આવતા હોવાનું જાણવા મળ્યું હતું અને અઠવાડિયામાં છ દિવસના ઓર્ડર થયેલા છે તે મુજબ અલગ અલગ ડોક્ટરો આવે છે. હાલે તબીબની તમામ જગ્યા ખાલી હોતાં નવી નિમણૂક થશે પછી તેમને ટ્રેઈનિંગ અપાયા બાદ જ લાયસન્સ રિન્યૂ થશે. આ પ્રક્રિયામાં લાંબો સમય નીકળી જશે જેને કારણે ખાસ કરીને સગર્ભા મહિલાઓને મુશ્કેલી થશે. આ અંગે રાપરના ગાયનેકોલોજિસ્ટને મળતાં તેમણે જણાવ્યું કે, હાલે તેમની પાસે આવતા પ્રસૂતિના દર્દીઓને લોહીનું પ્રમાણ 6-7 ટકાથી ઓછું હોય તો આ બ્લડ સ્ટોરેજના અભાવે ફરજિયાત ગાંધીધામ, ભુજ કે રાધનપુર પાટણ મોકલવા પડે છે અથવા તો દર્દીના સગા-સંબંધીઓને ગાંધીધામ-ભુજના બ્લડ સેન્ટરોમાં જઈ ધક્કા ખાવા પડે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતાં એ પણ જાણવા મળ્યું કે, રાપર તા.માં અંદાજિત 350 જેટલા એચ.આઈ.વી. દર્દી છે. આ દર્દીઓ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર-રાપરમાં એ.આર.ટી. સેન્ટર હતું. જેમાં આવા દર્દીઓને દવા આપવામાં આવતી અને તેમનું કાઉન્સેલિંગ થતું હતું. પોઝિટિવ દર્દીઓ માટે રાહતરૂપ એવું એ.આર.ટી. સેન્ટર પણ રાપરમાંથી ખસેડી અન્યત્ર લઈ જવાયું. રાપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પોતે જ આઈ.સી.યુ.માં હોય એ બીજા દર્દીઓને શું કામ આવી શકે તેવો રોષ પણ લોકો ઠાલવી રહ્યા છે. મુલાકાત સમયે લેબોરેટરી ટેકનિશિયન ચંદ્રેશભાઈ દરજી જ હાજર મળ્યા હતા. રાપર તા. માટે આશીર્વાદપરૂ એવા આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તમામ ડોક્ટરોની અને ફાર્માસિસ્ટની જગ્યા પૂરાઈ જાય ખાસ કરીને તાત્કાલિક એક ડોક્ટરની નિમણૂક થઈ જાય તો બ્લડ સ્ટોરેજ સેન્ટર તાત્કાલિક ચાલુ થઈ જાય. આ ઉપરાંત એ.આર.ટી. સેન્ટર પણ ચાલુ થાય તે જરૂરી છે. આ માટે એક માસ પહેલાં રાપર ચેમ્બર ઓફ કોમર્સે પણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તબીબની જગ્યાઓ ભરાય તેવી માગણી કરી છે. તો સમગ્ર રાપર તાલુકા અને ભચાઉ તા.ના ખડીર વિસ્તારને આશીર્વાદપરૂ આ બ્લડ સ્ટોરેજ સેન્ટર ચાલુ થાય અને સી.એચ.સી.માં તબીબની નિમણૂક તાત્કાલિક થાય તેવું સમગ્ર વાગડવાસીઓ ઈચ્છી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer