ભુજમાં ટયુશન લેતા છાત્રો રેલી કાઢી રસ્તા પર ઊતર્યા, અભ્યાસ ન બગડે તેવી વ્યવસ્થા કરો

ભુજમાં ટયુશન લેતા છાત્રો રેલી કાઢી રસ્તા પર  ઊતર્યા, અભ્યાસ ન બગડે તેવી વ્યવસ્થા કરો
ભુજ, તા. 11 : ગઇકાલે શહેરના ઘનશ્યામનગરમાં ખાનગી ટયુશન કરાવતા માતૃછાયા કન્યા વિદ્યાલયના શિક્ષક હિમાંશુ બારોટ સામે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા બીજી વખત કરાયેલી કાર્યવાહી બાદ મંગળવારે બપોરે આ ટયુશન કલાસના વિદ્યાર્થીઓએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા અથવા શાળાઓમાં નિષ્ણાત શિક્ષકો અને શાળા સમયમાં વધારો કરી અભ્યાસક્રમ પૂરો કરાવવાની માંગ સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને રેલી યોજી રસ્તો જામ કર્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચેલા વી. ડી. હાઇસ્કૂલ, માતૃછાયા કન્યા વિદ્યાલય, ચાણક્ય, ઇન્દ્રાબાઇ, ઓફ્રેડ, ભુજ ઇંગ્લિશ સ્કૂલ, સેન્ટ ઝેવિયર્સ અને વ્હાઇટ હાઉસના અને આ શિક્ષક પાસે ટયુશન લેતા વિદ્યાર્થીઓ શિક્ષણાધિકારી સમક્ષ કરેલી રજૂઆતો મુજબ હાલ શાળાઓમાં 35 મિનિટના તાસમાં ગુજરાત બોર્ડનો અભ્યાસક્રમ માંડ-માંડ પૂરો થાય છે ત્યાં જેઇઇ અને નીટનો કોર્સ કઇ રીતે શિક્ષકો પૂરોકરાવી શકે ?આ છાત્રોએ માંગ કરી હતી કે, શાળાઓમાં નિષ્ણાત શિક્ષકો આપો તેમજ આ અભ્યાસક્રમ માટે શાળાનો સમય વધારી આપો જેથી જેઇઇ અને નીટનો અભ્યાસક્રમ પૂરો કરી શકાય. છાત્રોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા બાદ જ એન્જિનીયરિંગ, મેડિકલ અને વિજ્ઞાન પ્રવાહમાં આગળની કારકિર્દી માટે પ્રવેશ અપાય છે, ત્યારે ધો. 12ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને શાળાઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાનું કંઇ ભણાવાતું નથી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસનો સંપર્ક સાધતાં તેમણે  જણાવ્યું કે સૂત્રોચ્ચાર કરતાં છાત્રોને ઓફિસમાં બોલાવી શિક્ષક સામે થયેલી ફરિયાદ અને સરકારી શિક્ષક અન્યત્ર ખાનગી ટયુશન નથી કરાવી શકતા તે અંગેના પરિપત્રથી વાકેફ કરાયા હતા તથા અઠવાડિયામાં જ છાત્રોનો પ્રશ્ન ઉકેલવાની હૈયાધારણ આપી હતી. આવતીકાલે જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોની બેઠક બોલાવી શાળાઓમાં જેઇઇ અને નીટના અભ્યાસક્રમ મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે તેવી ખાતરી આપી હતી. દરમ્યાન ગઇકાલના બનાવ અંગે  આજે પોલીસ ટુકડીને સાથે રાખી ટયુશન ક્લાસના સાહિત્ય સહિતની વસ્તુઓ કબ્જે કરાઇ હતી. એકતરફ ટયુશન સામે લાલઆંખ કરનારા શિક્ષણતંત્ર ભુજ સહિત કચ્છભરમાં અનેક સ્થળે ખાનગી ટયુશન ક્લાસ ચાલે છે અને તેમાં ઘણી બધી શાળાઓના શિક્ષકો જ ભણાવે છે. તેવા ટયુશન ક્લાસ સામે કાર્યવાહી કેમ થતી નથી તેવા પ્રશ્નના ઉત્તરમાં શ્રી વ્યાસે જણાવ્યું હતું કે, કોઇપણ જગ્યાએ ખાનગી ટયુશનમાં સરકારી શિક્ષક ટયુશન લેતા હોવાની સચોટ માહિતી મળશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જ. જેમાં કોઇને બક્ષવામાં આવશે નહીં. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer