કેરળમાં પુનર્વસન કાર્યમાં કચ્છની સંસ્થા જોડાઈ

કેરળમાં પુનર્વસન કાર્યમાં કચ્છની સંસ્થા જોડાઈ
ભોજાય, તા. 11 : કેરળમાં સદીના મહાભયંકર જળપ્રલય બાદ રાહત અને પુનર્વસન કાર્યમાં સરકાર, લશ્કર, વિવિધ સંસ્થાઓ, ઉદ્યોગગૃહો, દાતાઓ પોતપોતાની ક્ષમતા અનુસાર યોગદાન આપી રહ્યા છે. દરવખતની જેમ કચ્છ નવનિર્માણ અભિયાન પણ આમાં જોડાયું છે. પ્રમુખ લાલ રાંભિયા, ટ્રસ્ટી લીલાધર ગડા અને સાથીઓના માર્ગદર્શન હેઠળ મંત્રી જયેશ લાલકા અને ખમીરમાં કાર્યરત હરીશ હુરમાડે કેરળની સ્થાનિક સંસ્થાઓ સાથે સંકલન સાધીને અસરગ્રસ્ત વિસ્તારોનું ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોનું પ્રાથમિક તારણ લઈને પરત આવી ગયા છે. અહેવાલ અનુસાર અભિયાને વાચનાડ, કન્નુર, કસારગોટ અને કાલિકટ જિલ્લાના ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોમાં વર્ષોથી કાર્યરત સંસ્થા `કેરાલા વનવાસી વિકાસ કેન્દ્રમ' સાથે રહીને રાહત અને પુનર્વસન કાર્ય કરવાનું ઠરાવ્યું છે. મૂળભૂત તાતી જરૂરિયાતરૂપે 2પ કોલોનીના 1590 પરિવારોને 15 દિવસની ખાદ્યસામગ્રી પૂરી પાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓ વહેલી તકે શાળામાં જતા થાય એ માટે વાચનાડ જિલ્લાના કનિયામબેટ્ટા તાલુકાનાં ધાનુવલ્લુર ગામની નિવેદિતા વિદ્યાનિકેતન શાળા અને હોસ્ટેલમાં કાદવ માટીની ભરતી ત્વરિત સાફ કરી પુસ્તકો, અભ્યાસ સામગ્રી, હોસ્ટેલ માટે વાસણ અને ખાદ્યસામગ્રીની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહિલા આરોગ્યની રૂએ જરૂરી 7500 સેનેટરી પેડ્સ પણ પહોંચતા કરવામાં આવ્યા છે. 400 પરિવારોને ઘરવખરી અને 280 આદિવાસી પરિવારોને રહેઠાણ માટે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવાનું તથા એ અંગે માર્ગદર્શન આપવાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાહત સામગ્રી માટે ક્યાંય પડાપડી કે માગણવૃત્તિ ન દેખાઈ બલ્કે તેઓ સામે ચાલીને વધુ જરૂરિયાતમંદો તરફ નિર્દેશ કરતા હતા. સો ટકા ભણતર અને આર્થિક સક્ષમતાના સંસ્કાર અહીં સ્પષ્ટ જોવા મળ્યા એ દૃષ્ટિએ કેરળ કદાચ કચ્છ કરતાં પણ વધુ ઝડપે બેઠું થઈ જાય તો નવાઈ નહીં તેવું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer