ભુજમાં કચ્છમિત્ર કોલોનીમાં બે કાર, ત્રણ ઘરમાં ચોરીનો પ્રયાસ બેકાર

ભુજમાં કચ્છમિત્ર કોલોનીમાં બે કાર, ત્રણ ઘરમાં ચોરીનો પ્રયાસ બેકાર
ભુજ, તા. 11 : ભુજ-માધાપર રસ્તે નાના યક્ષ મંદિર નજીક આવેલી કચ્છમિત્ર કોલોનીમાં તાજેતરમાં બનેલા નાની-મોટી ચોરીના બનાવે આ સોસાયટી ઉપરાંત આસપાસના રહેવાસીઓમાં ચિંતાની લાગણી ઊભી કરી દીધી છે. રવિવારની મોડી રાત્રે બે કારના કાચ તોડવામાં આવ્યા હતા અને  એક રિક્ષામાંથી નાની-મોટી  ચોરી ઉપરાંત 3 ઘરોમાં બારીમાંથી ચીજો ઉઠાવવાનો પ્રયાસ થયો હતો. રવિવારે મોડી રાત્રે બે કારના કાચ તોડવામાં સફળ થયા હતા પરંતુ તેને સંભવત: ખોલીને નસાડી જવામાં નિષ્ફળતા મળી હતી. જો કે અન્ય એક રિક્ષામાંથી પેનડ્રાઇવ સહિતની નાની-મોટી ચીજો ઉઠાવી લીધી હતી. અઠવાડિયા પહેલાં પણ આ સોસાયટીમાંથી એક કાર ઉઠાવી જવાઇ હતી. જો કે તે હાઇવે પરથી બે દિ' પછી મળી આવી હતી. આ ઉપરાંત ત્રણ ઘરોની બારીમાંથી હાથ નાખીને નાની-મોટી ચીજો ઉઠાવવામાં સફળતા મળી હતી. જો કે સદ્ભાગ્યે કોઇ મોટી રકમ કે ચીજની ચોરી થઇ નથી શકી. રહેવાસીઓ આની પાછળ કોઇ ટોળકી સક્રિય થઇ હોવાનું માને છે. કારણ કે, એક જ રાતમાં આટલી હિંમત એકલ-દોકલ ચીભડચોર ન કરી શકે. આ વિસ્તારમાં પરપ્રાંતીય વસ્તી વધી રહી છે, જેની પણ શંકાની સોઇ ઊઠી રહી છે. જો કે આ સંબંધે પોલીસ તંત્રએ લેખિત રજૂઆતો બાદ એવી ખાતરી આપી હતી કે નિયમિત ચોકી પહેરો ગોઠવવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer