ના. સરોવર ખાતે ઘાસની વધુ ત્રણ ટ્રક આવતાં પશુપાલક વર્ગને થોડી રાહત

ના. સરોવર ખાતે ઘાસની વધુ ત્રણ ટ્રક  આવતાં પશુપાલક વર્ગને થોડી રાહત
નારાયણ સરોવર, તા. 11 : લખપત-અબડાસા સહિત સમગ્ર કચ્છમાં ન કહી શકાય તેવો વરસાદ પડયો છે. જેનાં કારણે ગાયો તેમજ અન્ય મૂંગા પશુઓની હાલત કફોડી થઇ ગઇ છે. દુષ્કાળ સાથે માલધારીઓને પણ હિજરત કરવાની આ વિસ્તારમાંથી ફરજ પડી છે. દરમ્યાન ના.સરોવર ખાતે ઘાસની ભરેલી 3 ટ્રકો આવતાં માલધારીઓમાં ખુશી છવાઇ હતી. ઉલ્લેખનીય છે કે ના.સરોવર અગાઉ ત્રણ ઘાસની ભરેલી ટ્રકો આવી ગઇ છે. ત્યારબાદ બીજી ત્રણ ટ્રકો આવતાં થોડી રાહત માલધારી તેમજ સ્થાનિક ઓછી સંખ્યામાં પશુ ધરાવતા લોકોના મુખ પર થોડી ખુશી આવી હતી. ના.સરોવર સાથે અન્ય દસ ગામોને પણ ઘાસ વિતરણ અત્રેથી કરવામાં આવે છે. જાણવા મળતી વિગતો મુજબ 600 ઘાસ કાર્ડ 10 ગામડાંને જોડીને થાય છે. ના.સરોવરનાં ઉપસરપંચ સુરૂભા જાડેજાએ જણાવ્યું કે 6 ટ્રકો આવી છે. ટૂંક સમયમાં હજી વધુ ટ્રકો આવશે જેથી જરૂરિયાતમંદ ઘાસ કાર્ડધારકોને સમયાંતરે ઘાસ વિતરણ કરી દેવામાં આવશે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer