પ્લાસ્ટિક અને તમાકુ મુક્ત ભારત માટે મુંદરાથી જનજાગૃતિ યાત્રા શરૂ

પ્લાસ્ટિક અને તમાકુ મુક્ત ભારત માટે મુંદરાથી જનજાગૃતિ યાત્રા શરૂ
મુંદરા, તા. 11 : વડાપ્રધાનના `સ્વચ્છ ભારત' અભિયાનના અવાજને બુલંદ બનાવવાની નેમ સાથે રોટરી કલબ ઓફ  મુંદરા દ્વારા દિલ્હી સુધીની જનજાગૃતિ યાત્રાનો આરંભ થયો હતો. પ્લાસ્ટિક અને તમાકુ મુક્ત ભારત, પાણી તથા પર્યાવરણ બચાવ માટે લોકોમાં જાગૃતિ ઊભી કરવાના ભાગરૂપે નીકળેલી યાત્રાને રોટરી પ્રમુખ પરેશ પલણ, શિવરાજ બારોટ, અતુલ પંડયા, મનોજ તન્ના, રાકેશ ફાગરિયા, મહેશ પટેલની ઉપસ્થિતિમાં કુ. આરાધ્યા બારોટે લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રાના પ્રથમ દિવસે સિનિયર સિટીઝન રોટેરિયન ભીખુભા એમ. ગોહિલ તથા નરેન્દ્ર આર. દવેએ યાત્રાની આગેવાની લઇ ગાંધીધામ અને ભચાઉ પહોંચતાં સ્થાનિક રોટરીના પ્રમુખ અમિત જૈન તથા વનરાજસિંહ જાડેજાએ આવકાર્યા હતા. અહીં અભિયાન અંતર્ગત તંદુરસ્ત રાષ્ટ્ર માટે વ્યસનથી, પાણીના બિનજરૂરી વેડફાટથી દૂર રહેવા, પર્યાવરણને અસર કરતા પ્લાસ્ટિકના વપરાશને ત્યજવા હિમાયત કરવામાં આવી હતી. મુંદરાથી પ્રસ્થાન પામેલી જનજાગૃતિ યાત્રા રાધનપુર, ડીસા, પાલનપુર, આબુ રોડ, કોટા, જયપુર, ગુડગાંવ માર્ગે સ્થાનિક રોટરી કલબના માધ્યમથી સમાજ ઉપયોગી સંદેશ આપતાં તા. 15 સપ્ટે.ના દિલ્હી પહોંચશે. `સ્વચ્છ ભારત'ના રાષ્ટ્રીય મિશન માટે મુંદરાથી નીકળેલી યાત્રાનું સમાપન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત સાથે થાય તે માટે સાંસદ વિનોદ ચાવડાએ પીએમઓ  હાઉસને  ભલામણ કરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer