પાઇપલાઇન સમારકામમાં હોવાથી કચ્છને નહેરમાંથી 100 એમએલડી પીવાનું પાણી મળ્યું

ભુજ, તા. 11 : માળિયાથી પમ્પિંગ કરીને કચ્છમાં આવતું નર્મદાનું પીવાનું પાણી મરંમતના કારણોસર વિતરણ વ્યવસ્થા બંધ છે ત્યારે કચ્છમાં પેયજળની ખેંચ ન સર્જાય હેતુથી કલેકટર રેમ્યા મોહને કરેલી દરમ્યાનગીરીથી નહેરમાંથી આવતો પાણીનો જથ્થો 100 એમ.એઁલ.ડી. મળશે તેવી સૂચના સરદાર સરોવર નર્મદા નિગમે આપી છે. આ બાબતે કચ્છના પાણી પુરવઠા વિભાગના અધીક્ષક ઇજનેર એલ. જે. ફફલનો સંપર્ક સાધતાં તેમણે ટેકનિકલ કારણો-વિગતો આપતાં કહ્યું કે, ઢાંકીથી માળિયા સુધી પાઇપલાઇન અને નહેર એમ બે બાજુએથી પાણી આવે છે, નહેરનું પાણી ખેડૂતો ઉપયોગ કરે છે. પરંતુ પાઇપલાઇન મારફતે આવતા પાણીની વ્યવસ્થામાં મોટા પાયે રિપેરિંગ કરવાનું હોવાથી વિતરણ બંધ છે. એવા સંજોગોમાં કલેકટરે કચ્છમાં પીવાના પાણીની વ્યવસ્થા મોટાભાગે નર્મદા પર આધારિત હોવાથી તેમણે દરમ્યાનગીરી કરતાં સરદાર સરોવર નર્મદા  નિગમ લિમિટેડ તરફથી જે નહેરમાં પાણી આવે છે તેમાં ત્રણ સો એમ.એલ.ડી. જથ્થો વધારવાની મંજૂરી આપી છે. શ્રી ફફલના જણાવ્યા પ્રમાણે 100 એમ.એલ.ડી. ટપ્પર ડેમમાંથી જ્યારે જે જથ્થો બંધ થયો છે તેના બદલે 130 કિ.મી.ની ઢાંકીથી ખીરઇની કેનાલમાંથી 100 એમ.એલ.ડી. પાણી ગુરુવારથી કચ્છને મળશે. બાકી 60 એમ.એલ.ડી. કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી ઉપાડવામાં આવતાં મોટા ભાગે કચ્છને પાણી મળશે બાકી થોડી 25થી 30 એમ.એલ.ડી.ની ખાધ પડશે. નિગમે પાણી પુરવઠા બોર્ડને આજે લખેલા પત્રમાં માળિયા બ્રાન્ચ કેનાલમાંથી તા. 15-9 સુધી પાણી 300 એમ.એલ.ડી. કચ્છ સહિતના રાજકોટ, પોરબંદર, જામનગર વિસ્તારને માત્ર પીવા માટે આપવા સૂચના આપવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer