આપઘાત અને અકસ્માતમાં ચાર જણ ભરખાયા

ભુજ, તા. 11 : જિલ્લામાં આજે માર્ગ અકસ્માત, આપઘાત અને અપમૃત્યુના કિસ્સામાં ચાર જણે જીવ ગુમાવ્યા હતા. મરનારા હતભાગીઓમાં બે મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.  અપમૃત્યુના બનાવોનો રોજિંદો સિલસિલો અવિરત રાખતા આ કિસ્સાઓ પૈકી ભુજ તાલુકામાં પદ્ધર ગામ નજીક કાર માર્ગ ઉપર બંધ હાલતમાં ઊભેલી ટ્રક સાથે મારુતિ કાર પાછળથી અથડાતાં સુમરાસર (શેખ) ગામના દામજીભાઇ આતુભાઇ મહેશ્વરી (ઉ.વ. 49)ને મોત આંબી ગયું હતું; તો માંડવી તાલુકામાં રામપર ગામ નજીક કોઇ અજ્ઞાત વાહનની ટક્કર લાગતાં ગંભીર રીતે ઘવાયેલા ભેરૈયા ગામના જુમા ઉમર કોળીએ જીવ ખોયો હતો. બીજી બાજુ, નખત્રાણા તાલુકાના મથલ ગામે પોતાના પુત્રની બીમારીથી ત્રસ્ત મૂલબાઇ રમેશ વણકર (ઉ.વ. 34)એ એસિડ પી લીધા બાદ સારવાર દરમ્યાન તેમણે દમ તોડયો હતો; જ્યારે જિલ્લા મથક ભુજમાં ગંભીર રીતે દાઝી જવાના કિસ્સામાં મીનાબેન મહેશભાઇ વાઘેલા (ઉ.વ. 30)નું આયખું પૂર્ણ થયું હતું.   પોલીસ દફ્તરેથી પ્રાપ્ત માહિતી મુજબ, ભુજ-ભચાઉ વાયા દુધઇ માર્ગ ઉપર પદ્ધર ગામ નજીક બી.કે.ટી. કંપની પાસેના ધોરીમાર્ગ ઉપર આજે પરોઢિયે જી.જે. 12 એ.કે. 1608 નંબરની મારુતિ કાર માર્ગ ઉપર બંધ હાલતમાં ઊભેલી ટ્રક સાથે પાછળથી અથડાતાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો. આ કિસ્સામાં અત્યંત ગંભીર ઇજાઓ પામેલા ભુજ તાલુકાના સુમરાસર (શેખ) ગામના દામજીભાઇ આતુભાઇ મહેશ્વરી (ઉ.વ. 49)ને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે તેમને મૃત જાહેર કરાયા હતા; તો ઇજા પામનારા નખત્રાણા તાલુકાના મુરૂ ગામના હરેશભાઇ કરસનભાઇ મહેશ્વરીને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ભોગ બનનારા કારથી હળવદ જવા નીકળ્યા હતા ત્યારે તેમને આ અકસ્માત નડયો હતો. પદ્ધર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ, માંડવી તાલુકામાં ગઢશીશા પોલીસ મથક હેઠળના રામપર (વેકરા) ગામ નજીક માર્ગ અકસ્માતમાં ભેરૈયા ગામના જુમા ઉમર કોળીની જીવનયાત્રા પૂર્ણ થઇ હતી. પોલીસે આ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગત તા. 27મીના કોઇ અજાણ્યા વાહનની ટક્કર લાગતાં જુમા કોળીને ગંભીર ઇજાઓ થઇ હતી. વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા બાદ જુમાનું સારવાર  દરમ્યાન ત્યાં મૃત્યુ થયું હતું. અકસ્માત બાબતે માવજી ઉમર કોળીએ ફરિયાદ લખાવી હતી. જ્યારે નખત્રાણા તાલુકાના મથલ ગામે મૂલબાઇ રમેશ વણકર (ઉ.વ. 34) નામની મહિલાના અપમૃત્યુનો કરુણ કિસ્સો બન્યો હતો. આ હતભાગી મહિલા તેના પુત્રની બીમારીના કારણે દુ:ખી હતી અને આ બાબત અસહ્ય બનતાં તેણે બે દિવસ પહેલાં એસિડ પી લીધું હતું. વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા બાદ સારવાર દરમ્યાન ત્યાં તેણે અંતિમ શ્વાસ લીધા હતા. નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી છાનબીન હાથ ધરી છે.  દરમ્યાન, ભુજ શહેરમાં ગીતા માર્કેટ વિસ્તારમાં રહેતી મીનાબેન મહેશભાઇ વાઘેલા (ઉ.વ. 30)નું દાઝી જવાના કિસ્સામાં અપમૃત્યુ થયું હતું. પોલીસે આ વિશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ હતભાગી આજે સવારે તેના ઘરમાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. બાદમાં સારવાર દરમ્યાન તેણે દમ તોડયો હતો. બી. ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer