શેરબજારમાં બે દિ''માં 4.4 લાખ કરોડનું ધોવાણ
મુંબઈ, તા. 11 : વિશ્વ વ્યાપાર યુદ્ધ તીવ્ર બનવાની વધતી ચિંતા વચ્ચે આજે એફએમસીજી, મેટલ, ઓટો અને નાણાકીય કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી આવતાં મુંબઈ શેરબજારનો ભાવાંક સેન્સેક્સ આજે સતત બીજા મોટા કડાકાનો દોર જારી રાખી 509 આંક ગગડીને લગભગ 1 મહિનાના તળિયે 37,413.13ના સ્તરે બંધ રહ્યો હતો. છેલ્લા બે દિવસમાં આંક લગભગ 1000 જેટલો કડડડભૂસ થઇ ચૂક્યો છે. રોકાણકારોએ બે દિવસમાં કુલ્લ 4.4 લાખ કરોડની મૂડી ગુમાવી દીધી છે. લાંબા સમયથી સતત તેજીનું વલણ જોનારા રોકાણકારોમાં અચાનક હવે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બપોરના સમયગાળા દરમ્યાન અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ રૂપિયાનો ભાવ ઘટીને નવી સર્વકાલીન નીચી સપાટીએ 72.73ના સ્તરે પહોંચતાં 30 શેરોનો આંક 1 ટકાથી વધુ તૂટયો હતો. એશિયન બજારોમાં ક્રૂડતેલના ભાવ ફરી વધતાં આજે કારોબાર દરમ્યાન થયેલો પ્રારંભિક સુધારો ધોવાઈ ગયો હતો અને એકધારી વેચવાલીથી જાણે મંદીવાળા હાવી થઈ ગયા હતા. સેન્સેક્સ 1.34 ટકા જેટલો ઘટીને 37,413.13 પર બંધ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સ્ચેન્જનો આંક નિફ્ટી પણ 150.60 આંક ઘટીને 11,300ની સપાટી તોડીને 11,287.50 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સનો આ બીજી ઓગસ્ટ પછીનો સૌથી નબળો બંધ છે. એ સમયે તે 37,165.16ના સ્તરે બંધ હતો. ગઈકાલે સેન્સેક્સમાં 467.65નો કડાકો બોલી ગયો હતો. છેલ્લા માર્ચ મહિનામાં આટલો મોટો કડાકો બોલી ગયો હતો, એ પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ અને સ્મોલ કેપ ઈન્ડેક્સમાં 1.4 ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સમાં વર્તમાન મહિનામાં આઠ ટકા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે, તેમાં છ સપ્તાહની નીચી સપાટી જોવા મળી રહી છે. એશિયન શેરબજારમાં અફરાતફરીનો દોર રહ્યો હતો. દક્ષિણ કોરિયન શેરમાં 0.2 ટકાનો ઘટાડો રહ્યો હતો. શાંઘાઈમાં 0.2 ટકાનો ઘટાડો રહ્યો હતો. એશિયન શેરબજારમાં સતત નુકસાનને ટાળવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. બીજી બાજુ, અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડવોરને લઈને પણ વેપાર જગતમાં ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકા દ્વારા ચીન ઉપર વધુ આયાત નિયંત્રણો લાગુ કરવાની તૈયારી કરવામાં આવી ચૂકી છે. એક બાજુ ક્રૂડની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં વધી રહી છે, બીજી બાજુ ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. આ બંને પરિબળો ઉપરાંત સ્થાનિક પરિબળો પણ અસરકારક રીતે કામ કરી રહ્યાં છે. આઈઆઈપીના આંકડા, ફુગાવાના આંકડા હવે જારી કરવામાં આવનારા છે. સીપીઆઈ ફુગાવાના આંકડા કેવા રહે છે તેના ઉપર પણ બજારની દિશા નક્કી થશે.