ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નહીં ઘટે

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) : રાજસ્થાન અને આંધ્રપ્રદેશ પછી હવે પશ્ચિમ બંગાળે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે. અલગ- અલગ રાજ્યો વેટ ઘટાડીને પેટ્રોલના ભાવ ઘટાડી રહી છે પણ ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે નહીં. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કહ્યું હતું કે, રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલમાં વેટ ઘટશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યમાં પેટ્રોલ પદાર્થો પર 20 ટકા ટેક્સ છે. કોંગ્રેસ શાસિત રાજ્યોમાં 25 થી 30 ટકા ટેક્સ છે. રાજ્ય સરકારે ચૂંટણી વખતે જ વેટમાં ઘટાડો કર્યો હતો. હવે વેટમાં ઘટાડો કરવાની સંભાવના ઓછી છે. આમ, સરકારના આ નિર્ણયથી ગુજરાતની જનતાને પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારામાંથી રાહત મળશે નહીં. ગુજરાતમાં પાટણ જેવા કેટલાક સ્થળોએ પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે. અહીં નોંધવું ઘટે કે, રાજ્ય સરકાર પ્રતિ વર્ષ સરેરાશ રૂા.12000 કરોડ જેટલી આવક પેટ્રોલ-ડીઝલના વેટ દ્વારા મેળવે છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer