આધારનું સોફ્ટવેર હેક થયાના દાવાથી દેશનો જીવ અધ્ધર

નવી દિલ્હી, તા. 11 : ભારતમાં આધાર માટે સંગ્રહિત નાગરિકોની જાણકારીની સુરક્ષા સામે વધુ એકવાર સવાલો સર્જતો ધડાકો થયો છે. ત્રણ માસ લાંબી ખાનગી તપાસનાં અંતે એક મીડિયાનાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આધારનાં ડેટાબેઝ સોફ્ટવેરમાં એક હેકિંગ સોફ્ટવેર(પેચ)ની મદદથી છીંડું પાડવામાં આવ્યું હતું અને તેની સુરક્ષા વ્યવસ્થા પણ તેનાથી ઠપ કરી શકાય છે. જોકે, યુઆઇડીએઆઇએ આ દાવો ફગાવીને કહ્યું હતું કે ભ્રમ ફેલાવાય છે. હફપોસ્ટ ઈન્ડિયાનાં અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે કોઈપણ અનધિકૃત વ્યક્તિ માત્ર 2પ00 રૂપિયામાં આસાનીથી મેળવી શકાય તેવા સોફ્ટવેર મારફત દુનિયાનાં કોઈપણ ખૂણામાંથી આધાર ઓળખ તૈયાર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આધારનાં ડેટાબેઝમાં એક અબજથી વધુ નાગરિકોની અંગત જાણકારીઓ અને બાયોમેટ્રિક વિગતો સંગ્રહિત છે. જેની સુરક્ષા સામે ફરીથી શંકાઓ ઉભી કરવામાં આવી છે. આમાં ચોંકાવનારી બાબત એ પણ છે કે આધારની સુરક્ષામાં ગાબડું પાડીને કપટથી તૈયાર થયેલી બનાવટી ઓળખોનો પણ હજી ય ઉપયોગ થઈ રહ્યો છે એટલે કે આ પ્રત્યક્ષરૂપે જ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. સરકાર આધારને નાગરિકો માટે ફરજિયાત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે ત્યારે જ આ ચોંકાવનારા ખુલાસાએ ફરી એકવાર લોકોની અંગત જાણકારીની સલામતીનાં વિવાદની આગમાં ઘી જેવું કામ કર્યુ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer