આશા-આંગણવાડી કાર્યકરોના વેતનમાં વૃદ્ધિ

નવી દિલ્હી, તા. 11 : આંગણવાડી અને આશા વર્કર કાર્યકરોને આજે ભેટ સમાન ઘોષણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. જેની લાંબા સમયથી માગ કરવામાં આવતી હતી એ આશા વર્કરોની પ્રોત્સાહન રાશિ વધારીને બમણી તથા આંગણવાડી કાર્યકર્તાઓનાં વેતનને 3000 રૂપિયાથી વધારીને 4પ00 રૂપિયા કરવાનો નિર્ણય લેવાયો છે.આશા અને આંગણવાડી કાર્યકરો સાથે નરેન્દ્ર મોદી એપ અને વીડિયો લિંકનાં માધ્યમથી સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે આંગણવાડી કાર્યકરોનું વેતન 22પ0 રૂપિયા હતાં અને હવે તેમને 3પ00 રૂપિયા મળશે. આવી જ રીતે આંગણવાડી સહાયકને 1પ00નાં બદલે 22પ0 રૂપિયા મળશે. વડાપ્રધાન મોદીએ આગળ કહ્યું કે આ વધેલું વેતન આગામી માસ એટલે કે ઓક્ટોબરથી લાગુ થઈ જશે. માટે નવેમ્બરથી આ વધેલો પગાર તેમને મળશે. આ સાથે જ તેમણે ભારપૂર્વક ઉમેર્યુ હતું કે આ વધારાની રકમ કેન્દ્ર સરકારનાં હિસ્સાનો વધારો છે.  તેમણે કહ્યું કે આશા વર્કરોની પ્રોત્સાહન રકમ બમણી કરવાં ઉપરાંત એવો નિર્ણય પણ  કરવામાં આવ્યો છે કે તેમને વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા અને વડાપ્રધાન સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મફત અપાશે. બે લાખ રૂપિયાની આ વીમા યોજના માટે તેમણે કોઈ જ પ્રિમિયમ ચૂકવવું નહીં પડે. આ ખર્ચ પણ સરકાર જ ઉપાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસદમાં વિભિન્ન દળો દ્વારા આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોનાં વેતનમાં વધારાની માગણી કરવામાં આવતી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer