તેલંગાણા : બસ ખાઈમાં ગબડતાં બાવન મોત

જગતિયાલ, તા. 11 : તેલંગાણાના જગતિયાલમાં આજે એક ભીષણ માર્ગ દુર્ઘટનામાં બાવન લોકોનાં મોત થયાં હતાં. અહીં કોંડાગટ્ટુ ઘાટ પાસે રાજ્ય પરિવહન નિગમની એક બસ પલટીને ખાઈમાં ગબડતાં સર્જાયેલી ઘટનામાં આ ખુવારી નોંધાઈ હતી. અકસ્માતમાં હજુ અનેક ઈજાગ્રસ્ત હોવાનું બતાવાઈ રહ્યું છે. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે ઘટના બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું. રાજ્ય સરકારે મૃતકોના પરિજનોને પ-પ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેલંગાણા રાજ્ય પરિવહન નિગમ (ટીએસઆરટીસી)ની બસ કોંડાગટ્ટુ પહાડ પર સ્થિત અંજનૈયા મંદિરેથી યાત્રીઓને લઈને પરત આવી રહી હતી. બસમાં 60થી વધુ પ્રવાસીઓ સવાર હતા.  બસ કોંડાગટ્ટુ ઘાટ રોડ પર પહોંચી ત્યારે એક સ્પીડ બ્રેકર પસાર કરતી વખતે ચાલકે બસ પરનો કાબૂ ગુમાવતાં બસ પલટી ખાઈને ખીણમાં ગબડી પડી હતી. અન્ય એક હેવાલ અનુસાર, ખીણમાં ખાબકતા પહેલાં બસે ચાર વખત પલટી મારી હતી. મૃતકોમાં ઓછામાં ઓછી 20 મહિલા અને સાત બાળકોનો સમાવેશ થાય છે. હજુ પણ અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા સેવવામાં આવી રહી છે. અકસ્માત બાદ બસનો બૂકડો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાંની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહતકાર્ય આરંભ્યું હતું. ઘાયલોને જગતિયાલની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે વધુ ગંભીર સ્થિતિમાં રહેલા પ્રવાસીઓને કરીમનગર અને હૈદરાબાદની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer