લાકડાં આધારિત ઉદ્યોગોને આયાતી લાકડાં માટે વન અધિનિયમ હેઠળ લાયસન્સમાંથી મુક્તિ

અમદાવાદ, તા. 11 (અમારા પ્રતિનિધિ તરફથી) :?રાજ્યમાં વિવિધ ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા અનેકવિધ પગલાં ભરવામાં આવ્યાં છે. તાજેતરમાં વધુ એક મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે. જે નિર્ણયના કારણે સમગ્ર રાજ્યમાંથી આયાતી લાકડાં આધારિત ઉદ્યોગોના એકમોને લાયસન્સ મેળવવામાંથી મુક્તિ અપાઈ છે. રાજ્ય સરકારના આ નિર્ણયનાં કારણે અગાઉ મુંબઈ અધિનિયમ અંતર્ગત આયાતી લાકડાં માટે ઉદ્યોગકારોને જે લાયસન્સ મેળવવું ફરજિયાત હતું તેમાંથી તા. 0પ/09/2018ના જાહેરનામાથી હવેથી આ લાયસન્સ પ્રથામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવેથી આયાતી લાકડાં આધારિત સો મિલ, વિનિયર, પ્લાયવૂડ ઈન્ડસ્ટ્રી, એમ.ડી.એફ. ઈન્ડસ્ટ્રી વગેરે માટે હવે લાયસન્સ લેવાની જરૂરિયાત રહેશે નહીં તેના બદલે આવા ઉદ્યોગકારોએ ફક્ત નોંધણી કરાવવાની રહેશે. આ નોંધણીની પ્રક્રિયા પણ બિલકુલ સરળ રહેશે. આ જાહેરનામા પ્રમાણે પ્લાયવૂડ પેસ્ટિંગ યુનિટ, સંપૂર્ણ આયાતી લાકડાં આધારિત ઉદ્યોગ, પાર્ટિકલ બોર્ડ તથા એમ.ડી.એફ. બનાવનારા એકમો તેમજ વહેરેલા લાકડાંનો ઉપયોગ કરી ફર્નિચર બનાવનારા એકમોને વન અધિનિયમ હેઠળ લાયસન્સ મેળવવામાં મુક્તિ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં ફક્ત ખેતપેદાશો તરીકે જાહેર થયેલા તેમજ ઝાડ કાપવા તથા વાહતુક પાસ મેળવવામાંથી મુક્તિ અપાયેલા વૃક્ષોની જાતના લાકડાંના ઉપયોગ કરતા એકમોને પણ વન વિભાગ હેઠળ લાયસન્સ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer