ભારત મેચ હાર્યું પણ રાહુલ-રિષભે દિલ જીત્યાં

લંડન, તા. 11 : લોકેશ રાહુલ (149) અને રિષભ પંત (114)ની લડાયક સદી અને એ બન્ને વચ્ચેની છઠ્ઠી વિકેટની 204 રનની યાદગાર ભાગીદારી છતાં ભારતીય ટીમ પાંચમી આખરી ટેસ્ટ બચાવી શકી ન હતી અને ઇંગ્લેન્ડે પાંચમી ટેસ્ટ 118 રને જીતીને શ્રેણી 4-1થી જીતી લીધી હતી. અલબત્ત, ભારત મેચ હાર્યું હતું પણ રાહુલ અને રિષભે દિલ જીત્યાં હતાં. આજે મેચના આખરી દિવસે મેચની 1પ ઓવર બાકી હતી ત્યારે ભારતીય ટીમનો બીજો દાવ સંઘર્ષ બાદ 94.3 ઓવરના અંતે 34પ રને સમાપ્ત થયો હતો. એન્ડરસને બુમરાહના રૂપમાં ભારતની છેલ્લી વિકેટ લીધી હતી અને તે ગ્લેન મેકગ્રાથી આગળ થયો હતો. તે કુલ પ64 વિકેટ સાથે દુનિયાનો સૌથી વધુ વિકેટ લેનારો ઝડપી બોલર બન્યો હતો. નવા દડામાં સેમ કરને ઇશાંત અને જાડેજાની વિકેટ લઇને ઇંગ્લેન્ડની જીત નિશ્ચિત બનાવી હતી. કૂક મેન ઓફ ધ મેચ અને કોહલી તથા કરન સિરીઝ બન્યા હતા. ચાના સમય બાદ ભારતે અણીના સમયે પહેલાં લોકેશ રાહુલ અને પછી રિષભ પંતની વિકેટ ગુમાવી દીધી હતી. રાહુલે તેની પાંચમી સદી ફટકારીને 224 દડામાં 20 ચોગ્ગા અને 1 છગ્ગાથી લડાયક 149 રન કર્યાં હતા. જ્યારે રિષભ પંતે તેની પહેલી ટેસ્ટ સદી કરીને 146 દડામાં 1પ ચોગ્ગા અને 4 છગ્ગાથી લાજવાબ 114 રન કર્યાં હતા. રાહુલ અને રિષભ  વચ્ચે છઠ્ઠી વિકેટમાં 204 રનની ભાગીદારી થઇ હતી. આ બન્નેની વિકેટ આદિલ રશીદે લીધી હતી. આ પહેલાં આજે મેચના પાંચમા અને આખરી દિવસે ભારતે 3 વિકેટે પ8 રનથી તેનો બીજો દાવ આગળ વધાર્યો હતો. જો કે લંચ પહેલાં જ ઉપસુકાની અંજિકય રહાણે 106 દડામાં પ ચોગ્ગાથી 37 રન કરીને મોઇન અલીના દડામાં જેનિંગ્સના હાથે કેચ આઉટ થયો હતો. તેના અને રાહુલ વચ્ચે ચોથી વિકેટમાં 118 રનની ભાગીદારી થઇ હતી. આ પછી નવોદિત હનુમા વિહારી (0)ને મોઇન અલીએ ફરી શિકાર બનાવ્યો હતો. બીજી તરફ કેએલ રાહુલે ઇંગ્લેન્ડના બોલરોનો મક્કમતાથી સામનો કરીને આક્રમક અને લડાયક બેટિંગ ચાલુ રાખી હતી. લંચ બાદ કેએલ રાહુલે તેની ટેસ્ટ કારકિર્દીની પાંચમી સદી 118 દડામાં આક્રમક અંદાજમાં  પૂરી કરી હતી. તેણે આ સદી 28 ઇનિંગ અને 20 મહિના બાદ કરી હતી. છેલ્લે સદી તેણે ઇંગ્લેન્ડ સામે જ ચેન્નાઇમાં 199 રન કર્યાં હતા. લંચ બાદ રાહુલ અને વિકેટકીપર રિષભ પંતે લડાયક અને આક્રમક બેટિંગ કરીને ઇંગ્લેન્ડના બોલરોને પહેલીવાર દબાણમાં લીધા હતા. પંતે પણ તેની પહેલી સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડની ધરતી પર સદી કરનારો તે ભારતનો પહેલો વિકેટકીપર બન્યો હતો. તેણે તેની સદી છગ્ગો મારીને પૂરી કરી હતી. આથી ચાના સમયે ભારતના પ વિકેટે 298 રન થયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer