બોલ ટેમ્પરિંગની અસર : ઓસી ટીમમાં પાંચ નવા ખેલાડી

સિડની, તા. 11 : આ વર્ષે દ. આફ્રિકા સામે બોલ ટેમ્પરિંગની કલંકિત ઘટના બાદ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં નવા યુગની શરૂઆતના ભાગરૂપે પાંચ નવા ખેલાડીને ટેસ્ટ ટીમમાં જગ્યા આપી છે. આ પાંચ ખેલાડી કયારે પણ ટેસ્ટ ક્રિકેટ રમ્યા નથી. બોલ ટેમ્પરિંગની ઘટના બાદ સ્ટીવન સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરન બેનક્રોફટ પર પ્રતિબંધ મુકાયો છે. આ પછી ઓસ્ટ્રેલિયાએ પહેલીવાર ટેસ્ટ ટીમ પસંદ કરી છે. પાકિસ્તાન સામેની કાંગારૂ  ટેસ્ટ ટીમમાં ટી-20ના સુકાની અને વન ડે ટીમના ઓપનર એરોન ફિંચને પહેલીવાર તક આપવામાં આવી છે. જ્યારે જુના ફાસ્ટ બોલર પીટર સિડલની ટીમમાં વાપસી થઇ છે. મેકસવેલને પડતો મુકાયો છે. ઇજાને લીધે બે મુખ્ય ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ યુએઇમાં પાકિસ્તાન સામે રમાનાર બે ટેસ્ટની શ્રેણીમાં ભાગ લેશે નહીં. પાછલા ઘણા વર્ષોની ઓસ્ટ્રેલિયાની આ સૌથી નબળી ટીમ ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ ટીમમાં જેમને પહેલીવાર મોકો અપાયો છે તેમાં એરોન ફિંચ, માઇકલ નેસર, બ્રેડન ડોગેટ, ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન છે. વિકેટકીપર ટીમ પેનને સુકાની બનાવાયો છે. ઓસ્ટ્રેલિયા પાક. સામે પહેલો ટેસ્ટ દુબઇમાં 7 ઓકટોબરથી અને બીજો ટેસ્ટ અબુધાબીમાં 16 ઓકટોબરથી રમશે.ઓસ્ટ્રેલિયાની ટીમ: ટિમ પેન (કેપ્ટન-વિકેટકીપર), એસ્ટોન અગર, બ્રેંડન ડોગેટ, એરોન ફિચ, ટ્રેવિસ હેડ, જોન હોલેન્ડ, ઉસ્માન ખ્વાઝા, માર્નસ લાબુશેન, નાથન લિયોન, મિશેલ માર્શ, શોન માર્શ, માઇકલ નેસર, મેથ્યૂ રેનશો, પીટર સિડલ અને મિશેલ સ્ટાર્ક. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer