ભુજમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની તપાસ ઉપરથી આવે છે

ભુજ, તા. 11 : શહેરમાં ચાલતા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનના કામમાં વધારાનો કરાયેલો અંદાજે 80 લાખનો ખર્ચ જીયુડીએમ (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન)એ આપવાની ના પાડતાં તે હવે ભુજ સુધરાઇ પર થોપાય, ઉપરાંત નબળા કામને પગલે ઊઠેલી ફરિયાદોને કારણે ગમે તે ઘડીએ રાજ્યકક્ષાએથી તપાસ આવે તેવું જાણવા મળ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, નબળા અને બિનજરૂરી કામને પગલે ભુજમાં ઊભો થયેલો સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇનનો મુદ્દો રાજ્ય કક્ષા સુધી પહોંચ્યો છે. કોન્ટ્રેક્ટમાં દર્શાવાયાથી 80 લાખ જેટલું વધુ કામ કોન્ટ્રેક્ટર દ્વારા કરી નખાયું છે અને હજુ પણ કામ બાકી છે ત્યારે જીયુડીએમે વધારાનાં નાણાં આપવાની ના પાડી દીધી છે અને આ તમામ ખર્ચ સુધરાઇના શિરે આવે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે. જોકે, સુધરાઇ તે સ્વીકારશે કે નહીં તે તો આવનારો સમય જ કહેશે, પરંતુ એવી અનેક નિષ્ફળ યોજના રાજકીય અગ્રણીઓના હુકમને પગલે ભુજ સુધરાઇને સ્વીકારવી પડી છે ત્યારે આ ખર્ચ પણ કદાચ સુધરાઇએ હસતું મોઢું રાખી સ્વીકારવો પડે તો નવાઇ નહીં તેવું જાણકારો કહી રહ્યા છે. જોકે, પ્રાપ્ત માહિતી અનુસાર, સ્ટ્રોમ વોટર ડ્રેનેજમાં નબળા કામની ઊઠેલી ફરિયાદોને પગલે રાજ્ય કક્ષાએથી તપાસ ગમે તે ઘડીએ આવી શકે છે. હાલ તો આ કામને રવિ ટોકીઝ પાસેની જૂની લાઇન પાસે જોડી અને પૂર્ણ કરાયું છે અને હવે દેશલસરમાં જોડાણ અપાશે. જોકે, 10 રિચાર્જ બોર બનાવવાના બાકી છે, આ બોર માટે જ્યાં પાણી ભરાય છે ત્યાં સપાટી જ ઊંચી હોવાથી આ બોર બનાવવા શક્ય પણ નથી તેવું જાણકારો કહી રહ્યા છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer