આનાવારીમાં લાંબો સમય જાય તેમ હોવાથી અર્ધ અછત તો જાહેર કરો

રાતા તળાવ (તા. અબડાસા), તા. 11 : ચાલુ વર્ષે કચ્છમાં પૂરતો વરસાદ થયો નથી. પાંજરાપોળ, ગૌશાળાઓને રૂા. બે કિ.ગ્રા.ના દરથી ઘાસચારો આપવાની જાહેરાત પછી પશુરક્ષાની પ્રવૃત્તિ કરતી સંસ્થાઓને પૂરતું સરકારી ઘાસ મળતું નથી. આનાવારીને લાંબો સમય લાગી જવાનો સંભવ હોવાથી તે પૂર્વે અર્ધ અછત જાહેર કરી આનાવારી થઇ ગયા બાદ પૂર્ણ અછત જાહેર કરવાની માગણી કરાઇ છે. સંત શ્રી વાલરામજી મહારાજ પાંજરાપોળ રાતા તળાવના સંસ્થાપક મનજીભાઇ?ખીંયશી ભાનુશાલી અને ટ્રસ્ટી ભીમજીભાઇ વડોરે જિલ્લા કલેક્ટરને પાઠવેલા આવેદનપત્રમાં ચાલુ સાલે કચ્છમાં નહિવત વરસાદ થયો છે ત્યારે આનાવારીની રાહ જોયા વગર અર્ધ અછત જાહેર કરી પાંજરાપોળોને ઢોર સબસિડી આપવા ઉપરાંત કેટલ કેમ્પો માટે સ્વૈચ્છિક સંસ્થાને મંજૂરી આપવાની માગણી કરી છે. આવેદનપત્રમાં જણાવ્યાનુસાર રાજ્ય સરકાર દ્વારા પ્રત્યેક ઢોર દીઠ રૂા. બેના ભાવથી 4 કિ.ગ્રા. ઘાસ આપવાની જાહેરાત પછી તંત્ર ઘાસચારો આપવા પહોંચી શકતું નથી. આવી પરિસ્થિતિમાં પાંજરાપોળોને ઘાસચારા સહાય આપવાની માગણી સાથે પત્રની નકલો રાજ્યના મુખ્યમંત્રી, અછત કમિશનર વગેરેને મોકલાઇ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer