ડીલર પાસેથી 14 લાખનો કર વસૂલાયો

ભુજ, તા. 11 : રાજ્યભરના આરટીઓ કૌભાંડોમાં નવતર બનેલા અહીંની આરટીઓ કચેરીમાં આચરવામાં આવેલાં આઈડી - પાસવર્ડ ચોરી થકીના વાહન ટેકસ ચોરીના કરોડોના કૌભાંડમાં સરકારી તિજોરીને ગયેલી ખોટ અને બદનામ થઈ ગયેલી વાહન સીરિઝ `જીજે-12-ડીએમ'ને સરભર કરવા માટે આરટીઓ દ્વારા કદમ ઉઠાવાઈ રહ્યા હોય તેમ 297 પૈકી 55 વાહનો માટે જવાબદાર એવા વાહનડીલર પાસે બેકલોગમાં પાસ કરાવાયેલાં વાહનોનાં રિપાસિંગની પ્રક્રિયા આજે બીજા દિવસે પણ જારી રહી હતી. બે દિવસમાં આ ડીલરના કુલ 39 વાહનને રિ-પાસ કરવામાં આવ્યા હતા તો રૂા. 2.75 લાખ ઉપરાંતની પેનલ્ટી સહિત કુલ રૂા. 14 લાખ ઉપરાંતની ટેકસની રકમ ભરાવવામાં આવી હતી. આ વાહનોને નવા નંબર ફાળવવામાં આવ્યા હતા. જો કે જેમને જૂના નંબર ફાળવાયા હતા તે રદ થઈ જતાં જેમનો આમાં કોઈ વાંક ગુનો જ નથી એવા વાહનધારકોને ફાળે કારણ વગરનું સહેવાનું આવ્યાનું ચર્ચાઈ રહ્યું છે. મળતી વિગતો મુજબ વાહન ડીલર કે.ડી. મોટર્સ દ્વારા ગઈકાલે  કુલ 22 રિપાસિંગ કરાવવામાં આવ્યું હતું જેના ટેકસ પેટે રૂા. 651858 ભરવામાં આવ્યા હતા. પેનલ્ટીના રૂપમાં રૂા. 162972 અને વ્યાજના રૂા. 34769 મળી કુલ રૂા. 849599  ભરવામાં આવ્યા હતા.એ જ રીતે આજે 17 બેકલોગ વાહનોનું ફરી પાસિંગ કરવામાં આવતાં તેનો ટેક્સ રૂા. 450979 ભરવામાં આવ્યો હતો. જેના ઉપર રૂા. 112750 પેનલ્ટી અને 23447 રૂા. વ્યાજ સહિત કુલ રૂા. 587176 ભરવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં સરકારી તિજોરીમાં ખોટ પેટે રૂા. 1436775 પરત આવ્યા હતા.  વાહનધારકો નાહક દંડાયા  આખાય પ્રકરણમાં ગુનેગાર કોઈ પણ હોય, વાહનધારકોના ફાળે નાહકની પીડા આવી પડી હોવાનો તાલ સર્જાયો છે. કેમ કે તેઓએ ડીલર પાસેથી વાહન ખરીદી લીધા બાદ તેમને આરસી બુક આવી ગઈ અને નંબરો પણ ફાળવાઈ ગયા હતા હવે કૌભાંડ સામે આવતાં નંબર રદ થતાં તેમના વાહનોના નવા નંબર આવતાં આવા વાહનધારકોને તેમના નંબરો ગુમાવવાનો વારો આવ્યો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer