કૌભાંડથી તંત્ર જાગ્યું :ડીલરો માટે આરટીઓએ ઘડયા નિયમો

ભુજ, તા. 11 : અહીંની પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી (આરટીઓ)માં આઈડી-પાસવર્ડની ચોરી કરીને કરોડો રૂા.ની વાહન ટેકસ ચોરીનું કૌભાંડ  જે સરળતાથી પાર પડી ગયું તેનાથી જાગેલા તંત્રે હવે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તમામ વાહન ડીલરો માટે આરટીઓ કચેરીએ તેમના અધિકૃત વ્યક્તિઓને જ મૂકવા સહિતના નિયમો અમલી બનાવ્યા છે. આરટીઓ દ્વારા તમામ મોટર વાહનોના ડીલર્સ જોગ જારી કરવામાં આવેલા પરિપત્રમાં ડીલર્સ દ્વારા અનધિકૃત વ્યક્તિને કામ સબબ મોકલવા સામે ચેતવણી આપવામાં આવી છે. એક પરિપત્ર મુજબ હવેથી કચ્છ જિલ્લાના તમામ વાહન ડીલરોએ વાહનોને લગતાં કામકાજ માટે તેમની પાસે ઓછામાં ઓછા એક વર્ષથી કામ કરતી હોય તેવી વ્યક્તિને અધિકૃત કર્યા બાદ તેને અધિકૃત કર્યા અંગેની લેખિત જાણ તે વ્યક્તિના બાયોડેટા સાથે આરટીઓને કરવાની રહેશે. ડીલર્સના કામ માટે આરટીઓએ આવનારી અધિકૃત થયેલી વ્યક્તિને ફોટો આઈકાર્ડ સાથે રાખવો પણ અનિવાર્ય રહેશે એમ પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું. સૂચનાના ભંગ બદલ ભવિષ્યમાં ઊભી થનારી પરિસ્થિતિના ડીલર્સ જવાબદાર રહેશે એમ પણ પરિપત્રમાં જણાવવામાં આવ્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer