આર.ટી.ઓ. કાંડ સંદર્ભે પોલીસ ગંભીર બની : ઉચ્ચ અધિકારીના ટીમ સાથે ધામા

ભુજ, તા. 11 :  અહીંની પ્રાદેશિક વાહન વ્યવહાર (આર.ટી.ઓ.)ની કચેરીમાં આચરવામાં આવેલા આઇ.ડી. ચોરી મારફતના ટેક્સ કૌભાંડમાં આજે ઉચ્ચ પોલીસ અધિકારીએ ટીમ સાથે ધામા નાખતાં તપાસ ગંભીર હોવાની છાપ ઊપસી છે. પરંતુ બીજી તરફ જેના પર કેસનો મદાર છે તે આઇ.પી. એડ્રેસની વિગતો પ્રાપ્ત થઇ નથી. 297 વાહનના ચોરાયેલી આઇ.ડી.થી ટેક્સ ભર્યા વગર રજિસ્ટ્રેશન કરી રૂા. એકથી દોઢ કરોડના આ મસમોટા કૌભાંડમાં નખત્રાણા ક્ષેત્રના મદદનીશ પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમશેટ્ટી પોતાની ટીમ સાથે આર.ટી.ઓ. કચેરીમાં ધસી આવી બેથી અઢી કલાક સુધી તપાસ આદરતાં આ પ્રકરણમાં પોલીસ ગંભીર હોવાનું જણાઇ રહ્યું છે. આર.ટી.ઓ. અધિકારીની કચેરીમાં ધામા નાખીને એ.એસ.પી. શ્રી શેટ્ટીએ કલાર્કોની પૂછપરછ કરી હતી અને આ કેસના તમામ પાસાં ચકાસ્યાં હતાં. બીજી તરફ આ પ્રકરણ મુદ્દે સાયબર સેલના પી.આઇ. જે. એમ. આલનો  સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આજે તેઓ અન્ય કેસમાં રોકાયેલા હતા. પરંતુ આ કેસ તપાસાર્થે મદદનીશ પોલીસ અધીક્ષક રવિ તેજા વાસમશેટ્ટી ગયા હોવાની વાતને સમર્થન આપ્યું હતું. સાયબર સેલની તપાસમાં આઇપી એડ્રેસને લગતી વિગતો હજુ પણ પ્રાપ્ય ન બની હોવાનું તેમણે જણાવ્યું હતું. આ કાંડમાંની ભુજના ડીલરની 55 કાર અંગે ટેક્સ અને દંડ વસૂલીને રિપાસિંગ કાર્યવાહી શરૂ થઇ ચૂકી છે, પરંતુ બાકીના વાહનો ક્યાં ક્યાં છે, કોણ તેના ડીલર અને માલિકો છે તેનો કોયડો ગૂંચવાયેલો જ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામમાં આવા વાહનો હોવાથી પોલીસે તે દિશા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરી ઉપરછલ્લી તપાસ કરી હતી, પરંતુ ત્યાં ગાડી આગળ ધપી ન હતી. ગાંધીધામ તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરાય તો અનેકના પગ નીચે રેલો આવી શકે તેમ છે. ઉપરાંત આ કાંડમાં રાજ્ય બહારના એજન્ટોની પણ ભૂમિકા હોવાનું સૂત્રો ચર્ચી રહ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer