ગાંધીધામની એ મહિલાની હત્યા કોઇ જાણભેદુઓએ લૂંટના ઇરાદે કરી હતી

ગાંધીધામ, તા. 11 : શહેરના ખોડિયારનગર વિસ્તારમાં વરસોથી રહેનારા સુંદરદેવી રેગર (ઉ.વ. 74) નામના વૃદ્ધ મહિલાની હત્યા તેમના દાગીનાની લૂંટના ઇરાદે કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે શકમંદોની પૂછપરછ હાથ?ધરી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં વરસોથી રહેતા મૂળ રાજસ્થાનના સુંદરદેવી ઘીસાજી રેગરની કોઇ શખ્સોએ તા. 8/9ના રાત્રે 11થી 9/9ના સાંજે 4.30ના અરસામાં હત્યા નીપજાવી હતી. આ મહિલાએ પોતાના મોટા પ્લોટમાં પોતાના મકાન પાછળ સાતથી આઠ ઓરડીઓ બનાવી હતી જેમાં ભાડૂઆત રહે છે. પોલીસે જણાવ્યું હતું કે, આ મહિલા દાગીના પહેરવાના શોખીન હતા. તેઓ કમરમાં કંદોરો, હાથમાં બાજુબંધ વગેરે દાગીના પહેરી રાખતા હતા. મુંબઇમાં રહેતા ચાર પુત્રો પૈકી મોટા પુત્રને મળવા આ મહિલા રવિવારે મુંબઇ જવા નીકળવાના હતા અને તેના આગલા દિવસે તેમણે પુત્રને ફોન કરી સામાન બાંધી દીધો હોવાનું પણ જણાવ્યું હતું. 8મીએ રાત્રે ઘરમાં તેઓ સૂતા હતા તેવામાં કોઇ?શખ્સોએ ઓશિકા વડે તેમનું મોઢું દબાવી તેમનો શ્વાસ રૂંધી નાખી આ મહિલાની હત્યા કરી હતી અને તેમણે પહેરેલા તથા અન્ય એમ રૂા. 3,50,000ના દાગીનાની લૂંટ કરી હત્યારા નાસી ગયા હતા. આ ચકચારી બનાવમાં પોલીસે હત્યા સાથે લૂંટની કલમો તળે ગુનો નોંધી આ મહિલાની ઓરડીઓમાં રહેતા ભાડૂઆતો તથા અન્ય શકમંદોની પૂછપરછ હાથ?ધરી છે. આ પ્રકરણમાં કોઇ જાણભેદુ હોવાની શક્યતા સાથે પોલીસ આગળ વધી રહી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer